નાંદેડના અનેક ગામોમાં આભ ફાટયું - પૂરમાં 200 લોકો ફસાતાં આર્મી મદદે

લેંડી નદીની જળસપાટી રાતોરાત ૧૮ ફૂટ વધી ગઈ
પૂરમાં પાંચ લાપતાઃ ચાર લાખ હેકટર વિસ્તારમાં ઉભા પાકનો નાશઃ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ હાથ ધરાયું
મુંબઈ - મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે નદીઓનાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે. ૨૦૦થી વધુ ગ્રામજનો પૂરના પાણી વચ્ચે ઘેરાઇ ગયા હોવાથી તેમને ઉગારવા માટેના પ્રયાસ ચાલું છે.
મરાઠવાડાના નાંદેડ સહિતના અનેક ગામોને ગઇકાલથી ધમરોળી રહેલા મુશળધાર વરસાદને કારણે છ ગામો પાણીમાં ડૂબી ગયા છે એક જ રાતમાં લેંડી નદીની સપાટી ૧૮ ફૂટ વધી જવાને કારણે પૂરનું પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યું છે. ગઇ મધરાતે દોઢથી બે વાગ્યા સુધીમાં જાણે વાદળ ફાટયું હોય એ રીતે પૂરી તાકાતથી પડેલા વરસાદને કારણે પૂર આવવાથી ગંભીર કટોકટી સર્જાઇ હોવાનું જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું. મુખેડ તાલુકાના ભેંડેગાંવ, ભાસવાડી, મારજવાડી, રાવણગાંવ ઉપર પાણી ફરી વળવાને લીધે ફસાઇ ગયેલા નાગરિકોને રબ્બરની હોડીઓ, રબ્બરના ટાયરો અને દોરડાની મદદથી બચાવવાની કામગીરી ચાલી રહી છે. પૂરને કારણે ચાર લાખ હેકટરમાં પાકનો નાશ થયો છે.
શોધ અને બચાવકાર્ય માટે લશ્કરની ટુકડી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની મદદે ઘસી ગઇ છે. અને રબ્બરની બોટની સહાયથી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામન જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયેલા પાંચ જણની શોધ ચલાવવામાં આવી રહી છે. એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
મુખેડ તાલુકામાં મહારાષ્ટ્ર-તેલંગણાનો આંતરરાજ્ય લેંડી ડેમ પ્રોજેક્ટ આવેલો છે. જાણે વાદળ ફાટયુ હોય એવી રીતે સતત પડી રહેલા વરસાદને કારણે ડેમમાં લાતુર, ઉદગીર અને પાડોશી રાજ્ય કર્ણાટકમાંથી ધસમસતું પાણી આવી રહ્યુું છે.
નાંદેડ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને ગામોની અંદર પૂરના પાણી ફરી વળ્યા છે. એનડીઆરએફની એક ટીમ, છત્રપતી સંભાજીનગરથી આવેલી લશ્કરની એક ટુકડી અને પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસનની મદદથી બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. એમ નાંદેડના કલેકટર રાહુલ કર્દિલેએ જણાવ્યું હતું.
એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) તરફથી ગઇકાલે રાવણગાંવ અને હસનાલમાં પૂરના પાણીમાં ફસાયેલા ૨૧ ગ્રામજનોને હેમખેમ ઉગારી લેવામાં આવ્યાં હતા.








