એમસ્ટેરડેમથી મુંબઈ આવતી ફલાઈટમાં ટેક ઓફ સાથે જ આગ લાગતાં પરત
સ્કીફોલ એરપોર્ટથી ઉડ્ડયન બાદ તરત જ એન્જિનમાંથી જવાળાઓ નીકળી
તમામ પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સ સહિસલામતઃ કોમ્પ્રેસરમાં ખામી અથવા તો બર્ડ હિટની શંકાઃ ફ્યૂઅલ ડમ્પ કરી ઈમરજન્સી લેન્ડિંગ
કેએલએમ એરલાઈન્સની ફલાઈટ કેએલ ૮૭૭ ગઈકાલે એમસ્ટેરડેમના સમય અનુસાર ૧૨.૦૩ મિનીટે મુંબઈ આવવા રવાના થઈ હતી. જોકે, સ્કીફોલ એરપોર્ટ પર હજુ તો તેણે રન વે પરથી ઉડ્ડયન ભર્યું તે સાથે જ તેના ડાબી તરફના એન્જિનમાંથી આગની જવાળાઓ નીકળવા માંડી હતી. બોઈંગ ૭૭૭ વિમાન નોર્થ સી પર છ હજાર ફૂટની ઊંચાઈએ ચકરાવા લેવા માંડયું હતું. તે સાથે જ વિમાનમાં બેઠેલા અને મુંબઈ આવી રહેલા પ્રવાસીઓના જીવ અદ્ધર બની ગયા હતા. જોકે, ક્રૂ મેમ્બર્સ દ્વારા સ્વસ્થતા જાળવી રાખવામાં આવી હતી પરંતુ તેમણે પ્રવાસીઓને વાસ્તવમાં શું બની રહ્યું છે તે વિશે બહુ ઓછી માહિતી આપી હતી.
આ પ્રકારની ઈમરજન્સીમાં નક્કી થયેલા પ્રોટોકોલ અનુસાર પાયલોટે તરત જ ફ્યુઅલ ડમ્પિંગ પ્રોસીજર શરુ કરી હતી. આ પ્રોસીજરમાં વિમાન છથી સાત હજાર ફૂટની ઊંચાઈ પર હોય ત્યારે તેનું વધારાનું ફ્યૂઅલ બાળી નાખવામાં આવે છે. આ ફ્યૂઅલ વાતાવરણમાં ભળી જાય છે અને તેના કારણે વિમાનનું વજન ઘટી જાય છે. આથી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ સરળ બને છે.
એરપોર્ટ પર હાજર રહેલા લોકોએ પણ આકાશમાં વિમાનમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ હતી. તે સાથે તેમણે પણ બૂમાબૂમ મચાવી હતી. એરપોર્ટ પર તમામ એજન્સીઓ પણ સતર્ક બની ગઈ હતી. આ ઘટનાને કારણે એરપોર્ટ પર દોડધામ પણ મચી હતી અને અન્ય ફલાઈટ્સનાં શિડયૂલ પણ ખોરવાયાં હતાં.
આગની ઘટના અંગે તપાસના આદેશો અપાયા છે. આગ કયાં કારણોસર લાગી તે તત્કાળ જાણવા મળ્યું નથી. પરંતુ, જાણકારોના મતે કોમ્પ્રેસરમાં ખામી અથવા તો બર્ડ હિટના કારણે પણ આગ લાગી હોય તેવું બની શકે છે. સ્થાનિક એવિએશન સત્તાવાળા દ્વારા પાયલોટ કોમ્યુનિકેશન, બ્લેક બોક્સ રેકોર્ડિંગ તથા એન્જિન ડેટા પ્રાપ્ત કરી તપાસ શરુ કરવામાં આવી છે.
હાલ પર્યટન તથા બિઝનેસ ટ્રીપ્સના કારણે મુંબઈ તથા એમસ્ટેર ડેમ વચ્ચેનો ટ્રાફિક ૨૮ ટકા વધ્યો છે. આ સંજોગમાં આ ઘટનાથી પ્રવાસીઓમાં ઉચાટ છવાયો છે.
એવિએશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બોઈંગ ૭૭૭ વિમાનો એન્જિનમાં ખોટકા કે આગની ઘટનાઓમાં સલામતીપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરી શકે તે રીતે જ બનાવાયાં છે. જોકે, દરિયામાં વિમાનનું ઈંધણ ફેંકાવાની ઘટના સામે પર્યાવરણવાદીઓએ પણ ઉહાપોહ મચાવ્યો છે.