મહારેરા સાથે છેતરપિંડી કરવા પ્રકરણે કલ્યાણ- ડોમ્બિવલીનાં પાંચ બિલ્ડરોની ધરપકડ


- બનાવટી દસ્તાવેજોને આધારે મહારેરાના સર્ટિફિકેટ મેળવ્યા

મુંબઇ: મહારેરા અને કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા સાથે છેતરપિંડી કરવા પ્રકરણે થાણે પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ કલ્યાણ- ડોમ્બિવલીના પાંચ બિલ્ડરોની ધરપકડ કરી હતી. બુધવારે પોલીસે પકડેલા આ બિલ્ડરોમાં મુકુંદ દાતાર, સુનિલ મઢવી, આશુ મુંગેશ, રજત રાજન અને રાજેશ પાટીલનો સમાવેશ થાય છે.

કલ્યાણ- ડોમ્બિવલી મહાનગર પાલિકાના નગરરચના વિભાગ પાસેથી અધિકૃત બાંધકામ પરવાનગી ન મળી હોવા છતાં ખોટા અને બનાવટી કાગળીયા તેમજ સહી-સિક્કાનો વપરાશ કરી કલ્યાણ- ડોમ્બિવલીના 65 બિલ્ડરોએ બાંધકામ પરવાનગી મળી હોવાનો બનાવટી દસ્તાવેજોને આધારે મહારેરા પાસેથી બાંધકામ પરવાનગીના સર્ટિફિકેટ મેળવ્યા હતા.

આ પ્રકરણે વ્યવસાયે આર્કિટેક્ટ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સંદિપ પાટીલે આરટીઆઇ હેઠળ માહિતી મેળવી આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ તેમણે આ પ્રકરણે કલ્યાણ- ડોમ્બિવલી મહાનગર પાલિકાને ફરિયાદ કરી હતી. આ સિવાય હાઇકોર્ટમાં પણ ધા નાંખી હતી. આ પ્રકરણે પાલિકાની ફરિયાદને આધારે ડોમ્બિવલીના રામનગર અને માનપાડા પોલીસ સ્ટેશનમાં 65 બિલ્ડરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રકરણની તપાસ થાણે પોલીસની સીટને સોંપવામાં આવી હતી અને ઇડી તરફથી પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પહેલા આ પ્રકરણે બનાવટી અને ખોટા દસ્તાવેજ તૈયાર કરી આપનાર પાંચ જણની પોલીસે 5 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આ પાંચ જણ પાસેથી પોલીસે આઠ કોમ્પ્યુટર પણ જપ્ત કર્યા હતા. આ સિવાય પાંચ જણ સાથે સંબંધિત 16 બેંક એકાઉન્ટ પણ 'ફ્રીઝ' કરી દેવામાં આવ્યા હતા. તેમજ આ પ્રકરણે પોલીસે અગાઉથી વિવિધ બિલ્ડરોના 40 બેંક એકાઉન્ટ ફીઝ કર્યા છે.

City News

Sports

RECENT NEWS