મુમ્બ્રામાં આંતરરાજ્ય ડ્રગ પેડલિંગ રેકેટ પકડાયું
રીઢા ગુનેગારની ગેંગ સામે અગાઉ પણ ડ્રગ્સ તથા શસ્ત્રો રાખવા સહિતના કેસો નોંધાયેલા છે
મુંબઇ - મુમ્બ્રામાં આંતર રાજ્ય ડ્રગ પેડલિંગ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે રૃા.૨૭ કરોડના મેફેડ્રોનના જથ્થા સાથે પાંચ આરોપીને ઝડપી લીધાં છે.આ ગેંગમાં મધ્ય પ્રદેશના ચાર ડ્રગ પેડલરનો સમાવેશ છે. મધ્ય પ્રદેશથી થાણેમાં મેફેડ્રોનની દાણચોરી કરવામાં આવતી હતી.
થાણે પોલીસ કમિશનરેટ હેઠળના પોલીસ સ્ટેશન સ્તરે ડ્રગ્સના આ સૌથી મોટો જથ્થો છે. પોલીસે રેકેટમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ આદરી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૧) સુભાષ બુર્સેએ જણાવ્યું હતું કે મુમ્બ્રા પોલીસની એનડીપીએસ ટુકડીએ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું. તેમણે બાસુ ઉમરદીન સૈયદને ૨૩.૫ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો.
અમારી તપાસમાં મધ્ય પ્રદેશથી થાણે સુધી ડ્રગ સપ્લાયની ચેઇન ફેલાયેલી હોવાનું બહાર આવ્યું છે. મધ્ય પ્રદેશથી મેફેડ્રોનની દાણચોરી કરવામાં આવી હતી.સૈયદની પૂછપરછ પછી પોલીસે મધ્ય પ્રદેશના ડ્રગ સપ્લાયર્સ રામસિંહ અમરસિંહ ગુજ્જર (ઉ.વ.૪૦) અને કૈલાશ શંભુલાલજી બલાઇ (ઉ.વ.૩૬)ની ધરપકડ કરી હતી. બંને પાસેથી રૃા.૭.૩૦ કરોડની કિંમતનું ૩.૫૧ કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. એમ ડીસીપીએ જણાવ્યુ ંહતું.
બાદમાં મુમ્બ્રા પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ માટે મધ્ય પ્રદેશના રતલામ ગઇ હતી. ત્યાંથી વધુ બે સપ્લાયર્સ મનોહર લાલ રંગલાલ ગુજ્જર અને રિયાઝ મોહમ્મદ સુલતાન મોહમ્મદ મન્સુરી ઉર્ફે રાજુને પકડવામાં આવ્યા હતા.
અમે મનોહરલાલ અને રાજુ પાસેથી રૃા.૯.૯૫ કિલોગ્રામ મેફેડ્રોન કબજે કર્યું હતું. એની કિંમત રૃા.૧૯.૯૧ કરોડ છે. આમ અત્યારસુધી આ ઓપરેશનમાં રૃા.૨૭.૨૧ કરોડનું મેફેડ્રોન મળી આવ્યું છે. થાણે પોલીસ કમિશનરેટ હેઠળના પોલીસ સ્ટેશન સ્તરે આ સૌથી વધુ છે. મુમ્બ્રા પોલીસ સ્ટેશન માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, એમ અધિકારીએ કહ્યું હતું.
ડીસીપીએ વધુમાં કહ્યું હતું કે આ પાંચ આરોપીઓ હિસ્ટ્રીશીટર છે. તેમના પર અગાઉ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ મુમ્બ્રા પોલીસ સ્ટેશનની એનડીએસ સ્કવૉડ દ્વારા જાન્યુઆરી ૨૦૨૪થી અત્યારસુધીમાં ૯૫૪ ઓપરેશનમાં રૃા.૪૮.૪૦ કરોડના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે.


