Mumbai

જુલાઈમાં પહેલીવાર મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકારઃ 1 થી 4 ઈંચ વરસાદ

By GS TEAM
16 Jul 20252 mins read
જુલાઈમાં પહેલીવાર મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકારઃ 1 થી 4 ઈંચ વરસાદ

અડધો જુલાઈ વીતી ગયા બાદ મેઘરાજાએ જોર  દેખાડયું   

ઘાટકોપરથી અંધેરીના પટ્ટામાં સૌથી વધુ વરસાદ ઃ બપોરે હવામાન ખાતાંએ ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યો પણ પછી મેઘસવારી ધીમી પડી

મુંબઈ -  મુંબઈમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદના છૂટાછવાયાં ઝાપટાં પડતાં હતાં  પરંતુ અસલી મુંબઈના વરસાદનો મિજાજ ગાયબ હતો. હવે અચાનક મેઘરાજાને અડધો જુલાઈ વીતી ગયાનું યાદ આવ્યું હોય તેમ ગઈકાલે રાતે અને આજે  વહેલી સવારે જોર દેખાડયું હતું. જોકે, મેઘરાજાએ અમુક પસંદગીના વિસ્તારોમાં જ વધારે વહાલ વરસાવ્યું  હતું. ગમે તેમ પણ આટલા વરસાદમાં આજે જુલાઈ માસમાં પહેલીવાર શહેરના અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. 

શહેરના વિવિધ વિસ્તારોમાં ગઈકાલે રાતે પણ ભારે ઝાપટાંનો દોર ચાલુ રહ્યો હતો. આજે સવારે અંધેરીથી પવઈ અને ઘાટકોપર તથા વિક્રોલીના  પટ્ટામાં  મુશળધાર વરસાદનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આ વિસ્તારોમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઘાટકોપરમાં એલબીએસ રોડ પર તો પુર્વમાં સ્ટેશન પાસેના માર્ગો પણ જળબંબાકાર જોવા મળ્યા હતા. વિક્રોલીમાં  પણ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. 

આકાશમાં ઘટાટોપ વાદળો અને સતત વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે બપોરે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપતો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો હતો. પરંતુ, વાસ્તવમાં બપોર પછી મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટયું હતું. 

બીએમસીના આંકડા મુજબ આજે રાત સુધીના ૨૪ કલાકમાં ઘાટકોપર, પવઈ, જોગેશ્વરીમાં ચાર ઈંચ, કુર્લા તથા બાન્દ્રામાં બે ઈંચ, વિલે પાર્લે, જૂહુ, સાંતાક્રુઝમાં દોઢ ઈંચ, ભાંડુપ, મુલુંડમાં એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવી મુંબઈના વાશી તથા થાણેમાં પણ સવારે વરસાદનું જોર જોવા મળ્યું હતું.  બીએમસીના ઘાટકોપર રમાબાઈ નગરમાં તથા માનખુર્દના મહારાષ્ટ્ર્ નગરમાં ૮૨ મિમિ તથા પવઈ અને ભાંડુપમાં ૮૨ મિમિ વરસાદ આજે દિવસ દરમિયાન નોંધાયો હતો. 

જોકે, બીજી તરફ તળ મુંબઈમાં સામાન્ય વરસાદી માહોલ રહ્યો હતો. અહીં હળવાં ઝાપટાં જ જ વરસ્યાં હતાં. 

હવામાન વિભાગના આંકડા મુજબ આજે રાતે ૮.૩૦ સુધીના ૧૨ કલાકમાં સાંતાક્રુઝ વેધશાળામાં  ૫૪.૨  મિમિ તથા કોલાબા વેધશાળામાં  ૪.૪ મિમિ વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં મોસમનો કુલ ૭૪૦.૨ મિમી જ્યારે કોલાબામાં ૭૨૭.૮ મિમિ વરસાદ થયો છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે શહેરમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની જ સંભાવના છે.