ઈતિહાસમાં પહેલીવાર ફલોરા ફાઉન્ટેન સહિતનાં સ્થળો જળબંબાકાર
સાઉથ મુંબઈમાં પાણી ભરાતાં ભારે ચકચાર
અંડરગ્રાઉન્ડ મેટ્રોનાં બાંધકામો કારણભૂત હોવાની ચર્ચાઃ હાઈટાઈડના લીધે નિકાલ ન થયો
મુંબઈ - મુંબઈ આજે ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી મારતાની સાથે જ મહાનગરનું જનજીવન ખોરવી નાખ્યું હતું. ખાસ તો દક્ષિણ મુંબઈમાં ગણતરીના કલાકમાં એટલો વરસાદ વરસ્યો હતો કે હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટન) સહિતના અનેક વિસ્તારોમાં જ્યાં ક્યારેે પણ પાણી નહોતું ભરાતું ત્યાં આજે જળબંબાકાર સ્થિતિ જોવા મળી હતી.
મુંબઈનું હાર્દ ગણાતા હુતાત્મા ચોક, કોલાબા કોઝવે અને ક્રાફર્ડ માર્કેટ અને મંત્રાલય આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયું તેની પાછળનું કારણ મૂશળધાર વરસાદ ઉપરાંત અંડરગ્રાઉન્ડ મેટ્રોરેલનું બાંધકામ અને દરિયામાં મોટી ભરતી હોવાનું જાણવા મળ્યું હતું.
મેટ્રો રેલ ન હોતી ત્યારે ભારે વરસાદ પડે તો પણ પાણી દરિયામાં વહી જતું હતું, પણ હવે મેટ્રો રેલ લાઇન અને સ્ટેશનો બંધાયા પછી પાણીનો માર્ગ રૃંધાઈ જવાથી હુતાત્મા ચોક, કોલાબા કોઝવે તેમ જ ક્રાફર્ડ માર્કેટ અને છત્રપતી શિવાજી ટર્મિનસ વચ્ચેના રસ્તા પર પાણી ભરાયું હતું.
બીજું આજે વરસાદ ચાલુ હતો એ વખતે દરિયામાં મોટી ભરતીને કારણે શહેરનું પાણી દરિયામાં ઠલવાતું અટકી ગયું હતું.
કોલાબામાં આજે સવારના ૧૧ વાગ્યા સુધીમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમાંથી ચાર ઈંચથી વધુ વરસાદ તો એક જ કલાકમાં પડયો હતો.
નરીમન પોઇન્ટ પર આવેલા મંત્રાલય પરિસરમાં પણ આજે પાણી ભરાઈ ગયું હતું.
સાઉથ મુંબઈમાં રહેતા લોકો કે કામધંધા માટે આવતા જતા લોકોએ જણાવ્યું હતું કે આટલાં વર્ષોમાં આ તમામ સ્થળો જળબંબાકાર હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી. મુંબઈમાં તોફાની વરસાદ કોઈ નવી નવાઈની વાત નથી. પરંતુ, ફલોરા ફાઊન્ટેન સહિતના વિસ્તારોમાં પાણી તરત ઓસરી જાય છે.