કોંકણમાં પર્યટકો માટે 8 રુમ્સની સૌપ્રથમ હાઉસબોટ શરુ થઈ

આઠ રુમની રાજ્યની સૌપ્રથમ હાઉસબોટ હોવાનો દાવો
હાઉસબોટને લીધે પર્યટકો દાભોળ ખાડીના શાંત અને નયનરમ્ય સૌંદર્ય, જૈવવિવિધતા, મેનગ્રોવ્સને નજીકથી નિહાળી શકશે
મુંબઇ - ઘણાં પ્રવાસીઓ હાઉસબોટમાં વિવિધ પાર્ટીઓ માટે ઉત્સાહી હોય છે. પરંતુ તેમને પૂરતી વ્યવસ્થા મળતી નથી. ત્યારે બાલ્ટિક સમુદ્રથી અત્યાધુનિક બોટ જળપરિવહન માટે લાવવાની ઘોષણા થોડા દિવસ પહેલાં થઈ હતી. તે વચ્ચે જ તાજેતરમાં કોંકણમાં પ્રથમ હાઉસબોટ દાખલ થઈ છે.
એક હાઉસબોટ દાભોળ ખાડીમાં દાખલ કરાઈ છે. ખાસ તો એ કે આ હાઉસબોટમાં આઠ રુમ્સ છે. આટલી મોટી સંખ્યામાં ઓરડા ધરાવતી રાજ્યની આ પ્રથમ હાઉસબોટ હોવાનું કહેવાય છે.
આ હાઉસબોટના પ્રવાસ સાથે પર્યટકોને દાભોળ ખાડીના શાંત અને નયનરમ્ય સૌંદર્ય, જૈવવિવિધતા, મેનગ્રોવ્સને નજીકથી નિહાળવાનો મોકો મળશે. તેમજ કોંકણી ખાદ્યપદાર્થોનો સ્વાદ પણ માણી શકશે.
મહારાષ્ટ્રનો કોંકણનો સાગરકાંઠો નયનરમ્ય પ્રાકૃતિક સૌદર્ય ધરાવે છે. તેના અનેક બીચ પ્રવાસઓમાં લોકપ્રિય છે. જોકે, ગોવા કે પોડિંચેરી જેવું માર્કેટિંગ નહિ થતું હોવાથી કોંકણના સાગરકાંઠે મહારાષ્ટ્ર બહારના લોકો બહુ ઓછા આવે છે. વાસ્તવમાં ગોવા કરતાં અનેકગણા ઓછા ખર્ચે અને પ્રમાણમાં શાંત વાતાવરણમાં અહીં પર્યટન માણી શકાય છે.








