અંબરનાથમાં ચૂંટણી ફરી રક્તરંજિત બનવાનાં એંધાણ
બાઈક પર બે આરોપી હેલ્મેટ પહેરીને આવ્યાઃ ગોળીબારમાં સિક્યુરિટી જવાનને ઈજા
મુંબઈ - અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીના ભાજપના ઉમેદવારની ઓફિસ પર ગઈકાલે રાતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગ દરમિયાન સિક્યુરિટી ગાર્ડને ઈજા થઈ હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેર સભા અગાઉ ગોળીબાર થતા સુરક્ષા વધારવામાં આવી છે. બીજી તરફ સીસીટીવીમાં બનાવ ઝડપાઈ ગયો હતો.
હેલ્મેટ પહેરીને આવેલા બે ગુનેગાર બાઈક પર પલાયન થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે કેસ નોંધી ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ આદરી છે કે પૂર્વ વૈમન્ય કે રાજકીય દુશ્મનાવટને લીધે ગોળીબાર કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે.
અંબરનાથ (પશ્ચિમ)ના ન્યૂ ભેંડીપાડા વિસ્તારમાં ગઈકાલે રાતે આ ઘટના બની હતી. ૨૦ ડિસેમ્બરે યોજાનારી અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પવન વાળેકરની ઓફિસ પાસે બે શખસ બાઈક પર આવ્યા હતા. આરોપીએ હેલ્મેટ પહેર્યું હતું. અંબરનાથના ગીચ વસ્તિવાળા વિસ્તારમાં વાળેકરના જનસંપર્ક કાર્યાલયમાં કાર્યકરો હતા. અજાણ્યા આરોપીએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા.
ગોળીબારનો અવાજ સાંભળીને ઓફિસના સુરક્ષા ગાર્ડ બહાર દોડી આવ્યો હતો. જેના પગલે હુમલાખોરોએ તેની તરફ પણ ગોળીબાર કર્યો હતો.
અંબરનાથ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓફિસમાં તૈનાત એક સિક્યુરિટી ગાર્ડ ગોળીબાર દરમિયાન ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર ઘટના ઓફિસ પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ઓફિસની સામે નંબર પ્લેટ વિનાની એક બાઈક આવી હતી. બાઈક પર સફેદ કપડા અને હેલ્મેટ પહેરાવી બે વ્યક્તિ આવી હતી.
બાઈક પર પાછળ બેસેલા શખસે નીચે ઉતરીને ઓફિસ તરફ ત્રણ અને પછી એક ગોળી ચલાવી હતી. ત્યારબાદ બંને ટુ- વ્હીલર પર ભાગી ગયા હતા. ઓફિસમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો અને બાઈકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ ઈનપુટસના આધારે આરોપીઓની શોધખોળ માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે તેમજ કાયદાની સંબંધિક કલમો હેઠળ અજાણી વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કા માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બુધવારે અંબરનાથમાં આવવાના હતા. તેના ગણતરીના કલાકો પહેલાં જ બનેલી ગોળીબારના બનાવથી ખળભળાટ મચી ગયો હતો. પોલીસનો ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંબરનાથ પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન
ફાયરિંગની જાણ થતા તરત જ ભાજપ કાર્યકરો અંબરનાથ પોલીસ સ્ટેશન પાસે એકઠા થયા હતા. તેમણે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવારે આરોપ લગાવ્યો હતો કે ગુનામાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓ વિશે પોલીસને જાણ કરવા છતાં યોગ્ય કાર્યવાહીમાં વિલંબ થયો હતો. આ મુદ્દાને લઈને ભાજપના કાર્યકરોએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તમામ લીડ્સ અને આરોપોની ચકાસણી કરી રહ્યા છીએ.


