કળસુબાઈ, ભંડારધારાના જંગલોમાં ફાયરફલાય ફેસ્ટિવલ શરુ
આગિયા નિહાળવા પર્યાવરણ પ્રેમીઓ ઉમટયા
ફેસ્ટિવલમાં ૫૦થી ૬૦ લાખનું ટર્ન ઓવરઃ સ્થાનિક આદિવાસીઓને રોજગારી
મુંબઇ - નાસિક-નગર જિલ્લાની સરદહે આવેલા કળસુબાઈ, ભંડારધારા અને ઘાટઘર વિસ્તારમાં 'ફાયરફ્લાય ફેસ્ટિવલ' શરુ થઈ ગયો છે. આ ફેસ્ટિવલ માં ગાઢ જંગલમાં આગિયાઓના ચમકારા નિહાળવા માટે દરરોજ સેંકડો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
ભંડારધારા-ઘાટઘર-મુર્શેઠ-કળસુબાઈ વિસ્તારમાં ચોમાસામાં વોટર લીલી ફેસ્ટિવલ, ઓક્ટોબર-નવેમ્બરમાં ફ્લાવર ફેસ્ટિવલ અને મેના અંત અને જૂનના પ્રથમ અઠવાડિયે હજારો આગિયા (ફાયરફ્લાય) વૃક્ષો પર ઝળહળવા માંડે છે. ઘાટઘર, ઉદ્ધવણે, પંજરે, મુર્શેઠ, કોળ્હેંબે, ભંડારધારા, ચિંચોડી અને બારી જેવા ગામોમાં રાંધા વોટરફોલ પાસે હરડા, બેહડા, સદ્દા, જાબુ, કેરી, ઉંબરના વૃક્ષ પર હજારો આગિયાઓ આકર્ષણ જમાવે છે.
ભંડારધારા વિસ્તારમાં આ ફાયરફ્લાય ફેસ્ટિવલને કારણે ૫૦ થી ૬૦ લાખનું ટર્નઓવર થાય છે.
પર્યટકો પણ અહીંના આમળા, કરવંદા, કેરી, જાંબુ જેવા વન્યફળો ખાઈ આ ત્સવ માણે છે. આને કારણે સ્થાનિક વનવાસીઓને રોજગાર પણ મળે છે. આથી અહીં હોટેલ, રેસ્ટોરાં, હોમ કૂકિંગ અને ટેન્ટ કેમ્પિંગનો વ્યવસાય પણ સારો ચાલે છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના પર્યટન વિભાગ દ્વારા અહીંના સ્થાનિક આદિવાસીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પર્યટકો માટે ગોઠવવામાં આવે છે. જોકે, રાત્રે ૯.૩૦ બાદ પ્રવાસીઓને વન્ય વિસ્તારમાં પ્રવેશ અપાતો નથી.