આગના બનાવો છતાં મુંબઈની ઈમારતોમાં ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન
ફાયર બ્રિગેડની વિશેષ તપાસમાંઅનેક છિંડા જણાયાં
વિશેષ તપાસ બાદ નોટિસો મોકલાય છે, 120 દિવસમાં અનુપાલન નહીં કરનારી સોસાયટીઓ સામે કાયદેસરની કાર્યવાહી
મુંબઈ : મુંબઈ ફાયર બ્રિગેડ આયોજિત વિશેષ અભિયાનમાં જણાયું છે કે શહેરના મોટાભાગના મકાનોમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન નથી થતું. તાજેતરમાં ૧૫૮ હોટલો અને ૬૩ મકાનોને આ બાબતે નોટિસ મોકલવામાં આવી હતી અને તેમને જરૃરી પગલા લેવા માટે ચોક્કસ મુદત અપાઈ હતી.
ફાયર બ્રિગેડ નિયમિત નિરીક્ષણ કરે છે અને બિન-અનુપાલન માટે રહેણાંક અને કમર્શિયલ સંસ્થાઓને નોટિસ જારી કરે છે. નોટિસના ૧૨૦ દિવસ પછી પણ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા પર તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવે છે.
મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ડિસેમ્બર ૨૦૨૨માં યોજાયેલ વિશેષ અભિયાનમાં લગભગ ૭૮૬ મકાનો અને ૧૪૭ કમર્શિયલ અને રહેણાંક મકાનોનું નિરીક્ષણ કરાયું હતું.
હોટલો અને મકાનોને આ નોટિસો મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ આપવામાં આવી હતી. એક્ટના સેક્શન ૬ મુજબ આગ રોકવાની અને આગ સામે સુરક્ષાના પગલા લેવાની જવાબદારી માલિકો અથવા તો કબજેદારોની છે. નિર્ધારીત સમયમાં પગલા ન લેવાય તો મુંબઈ ફાયર બ્રિગેડ ઈમારતનો પાણી અને વીજ પૂરવઠો કાપીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરે છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે મોટા ભાગના સામાન્ય ઉલ્લંઘનોમાં સીડીઓ પર અતિક્રમણ થવું, છંટકાવ તેમજ ફાયર એલાર્મ અને સ્મોક ડિટેક્ટરનો અભાવ હતો. કેટલીક આગની ઘટનાઓમાં, એવું જણાયું હતું કે અગ્નિશમન પ્રણાલી ખામીયુક્ત અને બિન-કાર્યકારી હતી જેના કારણે અગ્નિશામક કામગારીને અસર થઈ હતી.
ફાયર સેફ્ટીના નિયમો મુજબ, કબજેદાર અથવા ડેવલપરે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં 'ફાયર એક્ટ બી ફોર્મ' સબમિટ કરવું જરૃરી હોય છે. પરંતુ વારંવાર રીમાઇન્ડર મોકલ્યા પછી પણ તેમણે લાઇસન્સ ધરાવતી એજન્સી દ્વારા આપવામાં આવતા ફોર્મ બી સુપરત નહોતા કર્યા એવી જાણકારી ફાયર બ્રિગેડના અન્ય અધિકારીએ આપી.