Get The App

થાણે પાસે નેશનલ પાર્કમાં આગ, 20 એકર જંગલ ખાક

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
થાણે પાસે નેશનલ પાર્કમાં આગ, 20 એકર જંગલ ખાક 1 - image

સતત ત્રણ દિવસથી આગની  રહસ્યમય ઘટનાઓ

જંગલ  માફિયાઓએ આગ લગાડી હોવાની શંકાઃ વૃક્ષો ઉપરાંત પ્રાણીસૃષ્ટિને થયેલાં નુકસાનનો અંદાજ મેળવવામાં વન ખાતું વ્યસ્ત

મુંબઇ  -  મુંબઇમાં  છેલ્લા થોડા દિવસથી વધતા અસહ્ય તાપમાન વચ્ચે મુંબઇ અને થાણેના ફેફસા મનાતા સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએનપી)માં લાગેલી રહસ્યમય આગમાં ૨૦  એકર જંગલ વિસ્તાર બળીને ખાખ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. થાણે શહેરને  અડાને આવેલા નેશનલ પાર્ક વિસ્તારમાં માનપાડા પાસે ત્રણ જ દિવસમાં આગની બનેલી ત્રણ ઘટના પાછળ જંગલ માફિયાઓનો હાથ હોવાની શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. આ ઘટનાને લીધે પર્યાવરણ વાદીઓ તેમજ જંગલની સીમા પર રહેણાંક વિસ્તારમાં રહેતા  સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા છે.

આ  બાબતે વન અધિકારીઓને અંદાજ છે કે આ આગ લગભગ ૨૦ એકર જંગલ વિસ્તારમાં ફેલાયેલી હતી જેમાં મોટા ભાગનો વિસ્તાર ખાખ થઇ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને અસરગ્રસ્ત ચોક્કસ વિસ્તારને થયેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન અને ઔપચારિક સંર્વેક્ષણ પછી જાહેર કરવામાં આવશે.

આગની પહેલી ઘટના રવિવારે નેશનલ પાર્કને અડીને આવેલા ગાબેડબાગની સામેના જંગલમાં લાગી હતી. વનવિભાગની ટીમોએ સમયસર આ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સોમવારે રાત્રે બીજી મોટી આગની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ મંગળવારે  સાંજે પણ આ જ વિસ્તારમાં આગની ત્રીજી ઘટના સામે આવી હતી. જેમાં પવારનગર અને મુલ્લા બાગ સુધી આગની જવાળાઓ નજરે પડતી હતી. એમ  સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ ંહતું. આ બાબતે એક  અધિકારીએ જણાવ્યું હતું કે સોમવાર રાતથી જ અહીંના જાગૃત નાગરિકો તરફથી આગ બાબતે સત્તા ફરિયાદ કરવામાં આવી હતી. જંગલની સીમા પાસે આવેલા મોટા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહેતા ઘણા નાગરિકોએ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા ત્રણ દિવસથી જંગલની અંદર અલગ અલગ સ્થળોએ આગ જોઇ હતી અને અધિકારીઓને આ બાબતે ચેતવણી આપી હતી.

આ બાબતે અહીંની એક સોસાયટીના રહેવાસીએ જણાવ્યું હતું કે સદ્ભાગ્યે આગના ધુમાડાથી અહીંની ઇમારતોને કોઇ નુકસાન પહોંચ્યું નહોતું. જંગલ વિસ્તારમાં માનવીઓનું સતત અતિક્રમણ અને નિયમોનું ઉલ્લંઘન તેમજ વ્યાપારી પ્રવૃત્તિઓને  ધ્યાનમાં રાખી અમૂક સ્થાનિકોએ આગની આ ઘટનાઓ પાછળ જંગલ માફિયાઓનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આ બાબતે એક પર્યાવરણ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જંગલમાં કુદરતી રીતે આગ લાગવાની શક્યતા ઓછી છે. પરંતુ આ ઘટનાનું સંપૂર્ણ તપાસની જરૃર છે. આ બાબતે સ્થાનિક રેન્જ પોરેસ્ટ ઓફિસર સુરવસેએ જણાવ્યું હતું કે આગને ઝડપથી કાબુમાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં વારંવાર ફાટી નીકળતી આગના કારણની તપાસ ચાલી રહી છે.