Get The App

મુંબઇની ફેશન સ્ટ્રીટમાં ભભૂકેલી આગ : સંખ્યાબંધ દુકાનો ખાખ

- દેશ-વિદેશના ટુરિસ્ટો માટે આકર્ષણરૂપ

Updated: Nov 5th, 2022

GS TEAM

Google News
Google News
મુંબઇની ફેશન સ્ટ્રીટમાં ભભૂકેલી આગ : સંખ્યાબંધ દુકાનો ખાખ 1 - image

- આ ફૂટપાથ બજારમાં આગ બુઝાવવાની કોઇ વ્યવસ્થા નહોતી

મુંબઇ


દક્ષિણ મુંબઇના પ્રખ્યાત એવા ફેશન સ્ટ્રીટમાં આજે બપોરે અચાનક એક વાગ્યે ભીષણ આગ ફાટી નિકળતા અહીં આવેલ એક ડઝનથી વધુ કપડાની દૂકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડના છ બંબાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટના શોર્ટ-સર્કિટને લીધે બની હોવાનું કહેવાય છે.

ચર્ચગેટ સ્ટેશન પાસે ક્રોસ મેદાન નજીક આવેલ  ફેશન સ્ટ્રીટ વિવિધ પ્રકારના તૈયાર કપડાઓ માટે પ્રખ્યાત છે. આજે બપોરે એક વાગ્યે અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના છ બંબાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કલાકની જેહમત બાદ આગને કાબુમાં  લેવામાં તેમને સફળતા મળી હતી. આ ભીષણ આગની ઘટનામાં ૨૦ થી ૨૨ કપડાની દુકાનો બળીને ખાખ થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રેડિમેડ કપડાંના નાના વેપારીઓને મોટુ નુકશાન થયું હોવાનું કહેવાય છે. આગની આ ઘટના શોર્ટ-સર્કિટને લીધે થઇ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. જોકે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

આ આગને લીધે ક્રોસ મેદાન પર ચાલી રહેલી એમસીએની પુરુષોત્તમ ઢાલ ક્રિકેટ સ્પર્ધાની મેચોને થોડા સમય માટે થંભાવી દેવામાં આવી હતી. શરૂઆતમાં એક દુકાનમાં આગ લાગી હતી પણ પછી તરત જ આગની જવાળાઓ અન્ય દુકાનોમાં પ્રસરી ગઇ હતી અને આગે ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું. આગની જવાળાઓ અને ધુમાડાના ગોટે-ગોટા દૂરથી નજરે પડતા હતા.  ટ્રાફિક પોલીસે થોડા સમય માટે વાહનોની અવરજવર અટકાવી વાહનોને અન્યત્રે વાળ્યા હતા.

સામાન્ય માણસથી માંડીને સેલિબ્રિટીઓમાં પણ માનીતા અને ભારત-ભરમાં પ્રખ્યાત એવા ફેશન સ્ટ્રીટમાં આજે વીકએન્ડ હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવ્યાહતા. આ ઉપરાંત દક્ષિણ મુંબઇની ઘણી ઓફિસોમાં હાફ-ડે હોવાથી તેમજ ઓફિસો છૂટી હોવાથી લોકોનો પણ મોટો ધસારો હતો.  તે દરમ્યાન આગની આ ભીષણ ઘટના બનતા ભારે નાસભાગ મચી ગઇ હતી. ફૂટપાથ પર આવેલી ફેશન સ્ટ્રીટની કોઇ દૂકાનોમાં અગ્નિ પ્રતિબંધક યંત્રણા કે આગ હોલાવવાના સાધનોના અભાવે આગે થોડાજ સમયમાં વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું.

દક્ષિણ મુંબઇની ચર્ચગેટની ફૂટપાથ પર આવેલ ફેશન સ્ટ્રીટની દુકાનોના મુદ્દે પાલિકા અને ગાળા ધારકો અવારનવાર બાખડતા જોવા મળે છે. આ પહેલા પણ ફેશન સ્ટ્રીટમાં નાની-મોટી આગની ઘટના બનતી રહી છે. જોકે આજની આગની ઘટના વધુ વિકરાળ હોવાથી તેના પડઘા આગામી સમયમાં કાર્યવાહીના સ્વરૂપમાં જોવા મળી શકે છે.

Tags :