નિર્મલા કોલોની ઈમારતના 3જા માળે બાલ્કનીમાં આગ
આગ લાગી તે વખતે સદ્નસીબે ફલેટમાં રહીશો હાજર ન હતા
મુંબઈ - બાંદ્રા પશ્ચિમમાં આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬મા ભારતના જીતની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા એક રોકેટ પાસેની એક ઈમારતના ત્રીજા માળે એક ફલેટની બાલ્કનીમાં ઘૂસી જતાં આગ લાગી હતી. જો કે, સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી અહીં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના બાંદ્રા પશ્ચિમમાં નિર્મલા કોલોનીમાં ત્રીજા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બની હતી. ઘટના મુજબ, નિર્માલા કોલીની નજીક રવિવારે રાત્રે ૧૦ .૩૦ વાગ્યાની આસપાસ આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતની જીત થતાં તેના વિજયની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ સમયે એક રોકેટ રહેણાંક ફલેટની બાલ્કનીમાં પડયું હતું. જેના કારણે અહીં આગ લાગી હતી. આગની ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે એકઠા થયા હતા અને આગ વધુ ન ફેલાય તે પહેલા જ તેને કાબુમાં લેવા માટે એપાર્ટમેન્ટનો દરવાજો તોડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, ફાયર વિભાગની કામગીરી પહેલા જ સ્થાનિક લોકોએ આગ પર મોટાભાગે કાબુ મેળવી લીધો હતો. આ બાદ કામગીરી કરતા ફાયર વિભાગે ૩૦ મિનિટમાં સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના સમયે ફલેટ માલિકો બહાર હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


