મહિલા ટી.સી પર હુમલો કરનારી પ્રવાસી મહિલા વિરુદ્ધ એફઆઇઆર

ટી.સી કાર્યાલયમાં મહિલાએ ટી.સી સાથે મારપીટ કરી
ટિકિટ ન હોવાથી ટી.સી તે મહિલાને ગોરેગાવ સ્ટેશને ઊતારી ટી.સી કાર્યાલયમાં લઇ ગઇ હતી
મુંબઈ - અંધેરીથી બોરીવલી જનારી લોકલમાં ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલા પ્રવાસી અને મહિલા ટી.સી વચ્ચે થયેલા વાદ-વિવાદમાં પ્રવાસીએ ટી.સી સાથે ગેરવર્તન કર્યું હતું. જેથી બોરીવલી રેલવે પોલીસે ૨૬ વર્ષની મહિલા સામે એફઆઇઆર નોંધી છે.
બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગોરેગાવ સ્ટેશને આ ઘટના બની હતી. બાવન વર્ષની ટી.સી ગીતા પંડોરિયા ગોરેગાવ સ્ટેશને ટી.સી ઓફિસમાં ફરજ બજાવે છે. તે દિવસે અંધેરીથી બોરીવલી જનારી ધીમી લોકલમાં ચઢી હતી. લોક્લમાં ટિકિટ તપાસતી વખતે ટી.સીએ સોની ચૌહાણ નામની મહિલા પાસેથી ટિકિટ માગી હતી. સોની પાસે ટિકિટ ન હોવાથી ટી.સી ગોરેગાવ સ્ટેશન આવતા મહિલા સાથે ઉતરી અને ટી.સી કાર્યાલયમાં લઇ ગઇ હતી.
ટી.સી કાર્યાલયમાં મહિલા પ્રવાસીએ ટી.સી સાથે વાદ-વિવાદ શરૃ કરી અપશબ્દો બોલવાનું ચાલુ કરી દીધું હતું. બાદમાં સોનીએ પંડોરિયાનો હાથ મરડીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલા ટી.સીને હાથની આંગળીમાં ઇજા પણ થઇ હતી. ટી.સીની ફરિયાદના આધારે બોરીવલી રેલવે પોલીસે સોની ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારા ૧૩૨, ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૧ હેઠળ ફરજ પર હાજર જાહેર સેવક સાથે ગેરવર્તન કરી તેના પર હુમલો કરવા બદલ એફઆઇઆર નોંધી હતી.








