કમિશનરે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
આવતાં અઠવાડિયાથી અમલ થવાની શક્યતા
મુંબઈ - મુંબઇ મહાનગર પાલિકા મુંબઇમાં પ્રદૂષણની સમસ્યાને દૂર કરવા અનેક પગલાં હાથ ધરી રહી છે. એવામાં શહેરમાં ગંદકી ફેલાવનારા સામે કાર્યવાહી અંતર્ગત બમણા વધારીને ૧૦ ગુણા સુધી દંડ ફટકારવામાં વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. આ અ ંગે પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ મંજૂરી આપી છે. આ દંડની રકમમાં વધારો તાત્કાલિક લાગુ થશે એવું અધિકારીએ જણાવ્યું હતું.
શહેરમાં લોકો જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવે, ખુલ્લામાં કચરો ન સળગાવે, રસ્તા પર થુકવું નહિ, રસ્તા પર વાહનો ધોવા, કપડા ન સાફ કરવા, પેશાબ ન કરવો, ડેબ્રિજ ન ફેંકવો આ માટે પાલિકાએ દંડની રકમ બમણાથી લઇને ૧૦ ગુણા સુધી વધારી દીધી છે.
ઘન કચરા (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) વિભાગે તથા પાલિકા કમિશનરે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આથી આવતા અઠવાડિયાથી તેનો અમલ થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
શહેર ગંદકી ફેલાવતા અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખવા પાલિકાએ તેને અંકુશમાં રાખવા માટે દંડની રકમમાં વધારો કર્યો છે. જેમાં રસ્તા પર થુંકનારાને પહેલા રૃા. ૨૦૦ દંડ લેવાતો હતો. હવે તેમાં રૃા. ૫૦નો વધારો કરીને રૃા. ૨૫૦ દંડ લેવાશે.
આ અગાઉ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વર્ષ ૨૦૦૬માં નિયમાવલી અનુસાર દંડ વસુલ કરાતો હતો. હવે તે કાયાદામાં સુધારો કરાયો છે. હકીકતમાં લોકસભા, વિધાનસભાની ચૂંટણી બાદ તેનો અમલ કરવાનો હતો. આમા કચરાનું વર્ગીકરણ, અનધિકૃત પણે કાટમાળ ફેંકનારા, રસ્તામાં અસ્વચ્છતા ફેલાવનારા વગેરે પર લેવાતા દંડની રકમમાં વધારો કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ તેનો અમલ કેટલાક કારણોસર સ્થગિત કરાઇ હતી. હવે પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ મંજૂરી આપી છે.


