2017 ની તુલનાએ ઓછું મતદાન થયું
ભાંડુપના વોર્ડ ૧૧૪માં સૌથી વધુ તો દક્ષિણ મુંબઈના વોર્ડ ૨૨૭માં સૌથી ઓછું મતદાન
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૨.૯૪ ટકા મતદાન નોંધાયું હોવાના ફાઈનલ આંકડા આજે જાહેર કરાયા હતા. ૨૦૧૭ની છેલ્લી ચૂંટણી દરમ્યાન ૫૫.૫૩ ટકા મતદાન થયું હતું. પાલિકા દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ, ભાંડુપ ઉપનગરીય વિસ્તારમાં વોર્ડ નંબર ૧૧૪માં સૌથી વધુ ૬૪.૫૩ ટકા મતદાન નોંધાયું હતું તો દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં વોર્ડ નં.૨૨૭માં સૌથી ઓછું ૨૦.૮૮ ટકા મતદાન થયું હતું.
પાલિકાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં ૧.૦૩ કરોડથી વધુ પાત્ર મતદારોમાંથી માત્ર ૫૨.૯૪ ટકા લોકોએ ગુરુવારે સવારે ૭.૩૦ થી સાંજે ૫.૩૦ દરમ્યાન મતદાન કર્યું હતું. મતદાનના ૧૫ કલાકથી વધુ સમય બાદ પાલિકાએ મતદારનો અંતિમ આંકડો જાહેર કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે ૯.૩૦ સુધીમાં ૬.૯૮ ટકા, સવારે ૧૧.૩૦ સુધીમાં ૧૭.૭૩ ટકા, બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં ૨૯.૯૬ ટકા અને બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં ૪૧.૦૮ ટકા મતદાન થયું હતું. શહેરના સૌથી આલિશાન દક્ષિણ મુંબઈના ઘણાય મતદાન મથકો ખાલી પડયા હતાં.


