અશોક કુમારે સ્થાપેલો ફિલ્મીસ્તાન સ્ટુડિયો હવે નામશેષ બની જશે
1943 માં બન્યો હતો, અનેક હિટ ફિલ્મોનું શૂટિંગ થયું
રિયલ એસ્ટેટ કંપનીએ ૧૮૩ કરોડમાં સ્ટુડિયો ખરીદી લીધો ઃ આ જગ્યાએ ૫૦ માળની બે ગગનચુંબી ઇમારતો બંધાશે
મુંબઇ - છેલ્લા આઠ દાયકા દરમ્યાન અનેક હિન્દી ફિલ્મના જ્યાં શૂટિંગ થયા હતા એ ઐતિહાસિક ફિલ્મીસ્તાન સ્ટુડિયો હવે નામશેષ બની જશે. એક રિયલ એસ્ટેટ કંપનીએ ૧૮૩ કરોડમાં આખો સ્ટુડિયો ખરીદી લીધો છે. આ સ્ટુડિયો પાડીને તેની જગ્યાએ હવે ૫૦ માળની બે ગગનચુંબી ઇમારતો બાંધવામાં આવશે.
ગોરેગામ પશ્ચિમમાં એસ.વી. રોડ પર પાટકર કોલેજ નજીક આવેલો ફિલ્મીસ્તાન સ્ટુડિયો પાંચ એકરમાં ફેલાયેલો છે. સ્ટુડિયોમાં સાત શૂટિંગ ફલોર, એક મંદિર, જેલ અને આઉટડોર શૂટિંગ માટે વિશાળ ગાર્ડન છે.
ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના ૧૯૪૩માં થઇ હતી. બોમ્બે ટોકીઝના ડાયરેકટર હિમાંશુ રોયના અવસાન બાદ શશધર મુખર્જી, રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદનમોહનના પિતા), અશોક કુમાર અને જ્ઞાાન મુખર્જીએ ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી હતી. હૈદરાબાદના નિઝામ ઓસ્માન અલી ખાનેે કરેલી આર્થિક સહાયમાંથી આ સ્ટુડિયો બાંધવામાં આવ્યો હતો. ૧૯૫૮માં શશધર મુખર્જીએ ફિલ્મીસ્તાન સ્ટુડિયો છોડીને પોતાનો ફિલ્માલય સ્ટુડિયો સ્થાપ્યો હતો. તે દરમિયાન તોલારામ જાલન પરિવારે શશધર મુખર્જી અને અશોક કુમાર પાસેથી આ સ્ટુડિયો ખરીદી લીધો હતો.
અનારકલી અને નાગીન સહિત અનેક યાદગાર ફિલ્મો બની હતી
ફિલ્મીસ્તાનની આઠ દાયકાની તવારીમમાં અનેક યાદગાર ફિલ્મો બની હતી. ફિલ્મીસ્તાન તરફથી નિર્મિત યાદગાર ફિલ્મોમાં શહીદ, શબનમ, સરગમ, અનારકલી, નાગીન, જાગૃતિ, મુનીમજી અને તુમસા નહીં દેખાનો સમાવેશ થાય છે. ધીમે ધીમે આ સ્ટુડિયોનો સુવર્ણકાળ પૂરો થયો હતો. શૂટિંગની પ્રવૃત્તિ મંદ પડવા માંડી હતી. નીતીન બોઝની ૧૯૬૪માં દૂજકા ચાંદ ફિલ્મનું આ સ્ટુડિયોમાં શૂટિંગ થયું હતું જે છેલ્લી જાણીતી ફિલ્મ કહી શકાય. ત્યાર પછી ૨૦૧૧માં રા-વન અને બોડીગાર્ડ ફિલ્મનું કેટલું ક શૂટિંગ આ સ્ટુડિયોમાં થયું હતું. ફિલ્મીસ્તાને નાઝીર હુસેન જેવાં સફળ ફિલ્મ નિર્દેશકની ભેટ આપી હતી. નાઝીર હુસેન સ્ક્રીપ્ટ રાઇટર તરીકે જોડાયા હતા અને અનેક જાણીતી ફિલ્મોની પટકથા લખ્યા બાદ તુમસા નહીં દેખા ફિલ્મથી દિગ્દર્શક બન્યા હતા.