For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુણેની ટીમ્બર માર્કેટમાં ભીષણ આગઃ 7 ગોદામ, 8 ઘર ખાક

Updated: May 26th, 2023

Article Content Image

ભિવંડી અને ચેમ્બુરમાં પણ આગની ઘટના

40 ગાડીઓ અને 140 જવાનો આગ બુઝાવવાના કામમાં લાગ્યા : 6 થી 8 કલાક બાદ આગ કાબુમાં આવી

મુંબઈ :  પુણેના ભવાની પેઠ વિસ્તારમાં આવેલી ટીમ્બર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં લાકડાના સાત ગોદામ અને આઠ ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઘટના વહેલી સવારે સવા ચાર વાગ્યે બની હતી. લગભગ છથી આઠ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. ત્યારબાદ કુલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ આગને બુઝાવવા ૪૦ ગાડીઓ અને ફાયર બ્રિગેડના ૧૪૦ જવાનો સતત પ્રયત્નશીલ હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવી નહોતી. પણ ભીષણ આગમાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે. આગની ભીષણતાને ધ્યાનમાં રાખી પુણે શહેર, પુણે કોન્ટોન્મેન્ટ, પીએમઆરડીએના ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝાવવાના પ્રયાસો આદર્યા હતા.

વહેલી સવારે સવા ચાર વાગ્યે ફાયર બ્રિગેડને આગનો કોલ આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ અને વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા તે દરમ્યાન આગે ભીષણ રૃપ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમે આસપાસના વિસ્તારમાં આગ ન ફેલાય તેવા આશયથી સૌપ્રથમ અહીંના ઘરોના ગેસ સિલિન્ડર બહાર કઢાવી લીધા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલ સ્કૂલમાં આગ ન ફેલાય તે માટે પણ વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. તેમ છતાં સ્કૂલના આઠ જેટલા ઓરડા બળીને ખાખ થઈ ગયા હતા. આ વિસ્તારમાં ગતી વસતિ, નાના રસ્તાઓ, પાણીનું હળવું દબાણ તેમજ લાકડાના ગોદામમાં લાકડાનો વિપુલ જથ્થો હોવાથી આગ સતત ફેલાતી હતી જે અટકાવવા ફાયર બ્રિગેડના જવાનોે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આગની આ ઘટનામાં આઠ જેટલા ઘરો તેમની ઘરવખરી સાથે આગમાં ખાખ થઈ જતા આઠ પરિવારો રસ્તા પર આવી ગયા હતા. ભીષણ આગની આ ઘટનામાં છ હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલ લાકડાના ગોદામ બળીને ખાખ થઈ ગયા હતા.

આ સંદર્ભે પુણે ટીમ્બર મર્ચન્ટસ એસોસિએશનના પ્રમુખ રતન કિરાડે માધ્યમોને જણાવ્યું હતું કે આ એક વિકરાળ આગની ઘટના હતી જેમાં વેપારીઓને બહુ મોટું નુકસાન થયું છે. ત્રણ ગોદામમાં ખૂબ જ મોંઘુ બર્મા- ટીક મટેરિયલ હતું જ્યારે અન્ય ગોદામોમાં પણ પ્લાયવુડ અને લેમિનેશન વુડનો ખૂબ જ મોટો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો.

ભિવંડીના ભંગારના ગોદામમાં અને ચેમ્બુરમાં કમર્શિયલ બિલ્ડીંગમાં આગ

દરમ્યાન આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ બિલ્ડીંગમાં અને થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલ ભંગારના ગોદામ પણ આગ ફાટી નીકળી હતી. જોકે આ બંને આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગની પ્રથમ ઘટના ચેમ્બર વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ચેમ્બુર નામની એક કમર્શિયલ બિલ્ડીંગમાં બની હતી. આજે વહેલી સવારે ત્રણ વાગ્યે સાતમા માળે આવેલ એક ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં પહોંચી જઈ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી નહોતી. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની શંકા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

આગની બીજી ઘટના મુંબઈને અડીને આવેલ થાણે જિલ્લાના ભિવંડીમાં વહેલી સવારે બની હતી. ભિવંડીમાં આવેલ ભંગારના એક ગોદામમાં આજે સવારે આગ ફાટી નીકળતા. આગમાં ગોદામમાં રાખેલ ભંગારનો સમગ્ર જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ બુઝાવી નાંખી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ ગોદામના તમામ લોકો બહાર આવી જતા મોટો અનર્થ ટળ્યો હતો. આગનું કારણ જાણી શકાયું નહોતું.


Gujarat