મુંબઇમાં ચેપી રોગના કેસ ઓછા, હાર્ટ અને ડાયાબિટીસનું પ્રમાણ વધુ

આંતરરાષ્ટ્રીય મેગેઝીનના અહેવાલમાં ચિંતાજનક વિગત
યુવાન પેઢીમાં હાયપરટેન્શન,હાર્ટ ડિસિજ, બ્રેઇન સ્ટ્રોક વગેરેની અસર વધુ દેખાય છે
મુંબઈ - મુંબઇ સહિત આખા ભારતમાં ચેપી રોગના પ્રમાણ કરતાં હૃદય રોગ અને મધુપ્રમેહ(ડાયાબિટીસ) ના કેસની સંખ્યા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના મેગેઝીન લાન્સેટમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી(૧૯૯૦ -૨૦૨૩)માં પ્રસિદ્ધ થયેલા ઓક્ટોબરના અહેવાલમાં આવી ચિંતાજનક વિગતો છે.
બીજીબાજુ મુંબઇના ડોક્ટરો એવી ચિંતા વ્યક્ત કરી છે કે મુંબઇમાં તો આ પરિસ્થિતિ વધુ વકરી રહી છે. શહેરમાં ચેપી રોગના કેસની સરખામણીએ હૃદય રોગના અને ડાયાબિટીસના કેસમાં બમણો વધારો થઇ રહ્યો છે. હૃદય રોગને અને ડાયોબિટીસને તબીબીશાસ્ત્રની ભાષામાં નોન -કમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય છે.
મુંબઇ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત લોકમાન્ય ટીળક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ(જે સાયન હોસ્પિટલ તરીકે પણ ઓળખાય છે)ના મેડિસીન વિભાગના વડા ડો. નિતીન કર્ણીકે એવી માહિતી આપી હતી કે હવે તો મુંબઇમાં નોન -કમ્યુનિકેબલ ડિસીઝની અસર યુવાનોને પણ થાય છે. એટલે કે ૩૦ -૪૦ વર્ષનાં યુવક -યુવતીઓને પણ હૃદય રોગ અને મધુપ્રમેહ થાય છે. આજથી થોડાં વર્ષ પહેલાં આ બંને બીમારી મોટી ઉંમરની વ્યક્તિઓને થતી હતી. હવે જોકે આધુનિક યુગની જીવનશૈલીને કારણે લોકોને વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક બીમારી થઇ રહી છે. ઘણાં યુવક -યુવતીઓને બ્રેઇન સ્ટ્રોક અને બ્રેઇન હેમરેજ પણ થાય છે.
મહાનગરપાલિકા દ્વારા થયેલા તબીબી અભ્યાસ મુજબ ચિંતાજનક પરિસ્થિતિ તો એ છે કે હાયપરટેન્શન અને ડાયાબિટીસની અસર હોવા છતાં તેઓને ઘણા લાંબા સમય સુધી જાણ નથી થતી. મુંબઇમાં ૨૬ ટકા નાગરિકોને આ બંને બીમારી હોવા છતાં ફક્ત ૧૦ ટકા દરદીઓને સારવાર આપવામાં આવી હતી.
હાલના તબક્કે મુંબઇમાં લેપ્ટોસ્પાઇરોસીસ, ચીકનગુન્યા, ડેન્ગુ જેવા પાણીજન્ય ચેપી રોગનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે. ટયુબરકયુલોસીસ(ટીબી)ના કેસ ઘટયા છે. ઉપરાંત, મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે. શહેરમાં ભૂતકાળમાં આવી ચિંતાજનક પરિસ્થિતિ નહોતી.









