Mumbai

સિનિયર પીઆઈ વતી લાંચ લેતી મહિલા પોલીસ ઝડપાઈ

By GS TEAM
27 Jun 20251 min read
સિનિયર પીઆઈ વતી લાંચ લેતી મહિલા પોલીસ ઝડપાઈ

પીઆઈ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા

આરોપીને કેસમાં મદદ કરવા  એક લાખ માગ્યા, ૯૫ હજાર સ્વીકારતાં ઝડપાઈ ગઈ

મુંબઇ  - એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વતી રૃા.૯૫ હજારની લાંચ લેતા ધારાશિવની મહિલા પોલીસ કર્મીને રંગેહાથ ઝડપી લીધી હતી.  ૩૪ વર્ષીય મહિલા પોલીસ કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. ફરિયાદીનો પુત્ર એક ગુનામાં  સંડોવાયેલો હતો. તેણે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટરનો સંપર્ક કર્યો અને મદદ માંગી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્સ્પેકટરે ફરિયાદીને મહિલા પોલીસ કર્મીને મળવા કહ્યું હતું. આથી ફરિયાદી તેને મળ્યો હતો. ત્યારે મહિલાએ તેના સિનિયર વતી રૃા.એક લાખની માંગણી કરી હતી. છેવટે રૃા.૯૫ હજાર આપવા  સહમત થયો હતો. 

બીજી તરફ ફરિયાદીએ આ બાબતની એસીબીને જાણ કરી હતી. તેની ફરિયાદના આધારે એસીબીની ટીમે  છટકું ગોઠવ્યું હતું. એસીબીએ સરકારી ગેસ્ટ હાઉસમાં ફરિયાદી પાસેથી રૃા.૯૫ હજારની લાંચ લેતા મહિલા પોલીસ કર્મીને પકડી હતી. બાદમાં તેની ધરપકડ કરાઇ હતી. મહિલાના ઘરે તપાસ કરવામાં આવી હતી.

આરોપી  ઇન્સ્પેકટરની તબીયત સારી  ન હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. તેની હોસ્પિટલમાંથી  રજા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે બંને આરોપી પાસેથી બે-બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેમની  સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.