Mumbai

મહિલા ઈન્કમટેક્સ અધિકારીએ સાયબર સ્ટોક ફ્રોડમાં 92 લાખ ગુમાવ્યા

By GS TEAM
28 Jun 20252 mins read
મહિલા ઈન્કમટેક્સ અધિકારીએ સાયબર સ્ટોક ફ્રોડમાં 92 લાખ ગુમાવ્યા

નાની રકમ પર ૧૫ ટકા નફો ચૂકવી વિશ્વાસ કેળવ્યો

57 લાખ ટ્રાન્સફર કરાવી ચાર કરોડ નફો દર્શાવ્યોઃ ઉપાડવા ગયાં તો ૩૪ લાખ સર્વિસ ચાર્જ માગ્યો 

મુંબઈ -  ઓનલાઇન શેર ટ્રેડિંગ ફ્રોડના એક નવા કેસમાં મુંબઈનાં  એક મહિલા ઇન્કમ ટેક્સ અધિકારીએ રૃા. ૯૧.૬૭ લાખની રકમ ગુમાવી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને સાયબર પોલીસ હાલમાં આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

આ સંદર્ભે  મહિલા આઇટી અધિકારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે સોશિયલ મીડિયા પર નાણાકીય માર્ગદર્શન કરતા રચના રાનડેના વીડિયો જોયા હતા.

ત્યાર બાદ આ વીડિયો  પોસ્ટમાં શેર કરેલી લિંક દ્વારા આકર્ષક રોકાણની તકો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફરિયાદીએ લિંક ક્લિક કરતા તેમને એક વોટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યા હતા. ફરિયાદીએ અહીં ઘણા યુઝરોને રોકાણ પર નોંધપાત્ર નફો કમાતા જોયા હતા.

આ  ગુ્રપમાં નિયમિતપણે રોકાણની ટિપ્સ શેર કરવામાં આવતી હતી અને નવા જોડાનાર લોકોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. ફરિયાદીએ  ગુ્રપ એડમિનનો સંપર્ક કરતા તેમને એક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા લિંક મોકલવામાં આવી હતી. આ લિંકનું નામ એક જાણીતી બહુરાષ્ટ્રીય બેંકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શરૃઆતમા ં ફરિયાદીએ નાની રકમનું રોકાણ કર્યું હતું. જેના પર તેમને તરત જ ૧૫ ટકા વળતર આપવામાં આવ્યું હતું. આ બાબતે ફરિયાદીની વિશ્વસનીયતા વધે તે માટે ફ્રોડસ્ટરોએ તેમને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના નકલી દસ્તાવેજો પણ પૂરા પાડયા હતા. જેમાં અમુક બનાવટી સ્વીકૃતિઓ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ ફરિયાદીના બેંક ખાતામાં નફો પણ જમા કરાવવામાં આવ્યો હતો. આ તમામની મદદથી આ સમગ્ર પ્રક્રિયા કાયદેસર હોવાનું ફરિયાદીને જણાયું હતું.

શરૃઆતમાં  મળેલા સારા વળતરથી પ્રોત્સાહિત થઈ ફરિયાદીએ વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા વિવિધ બેંક એકાઉન્ટમાં ૫૬.૭૭ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. એપમાં ફરિયાદીના નફો વધીને ચાર કરોડ થયો હોવાનું દર્શાવવામાં આવી રહ્યું હતું. જ્યારે ફરિયાદીએ ગત ત્રીજી જુને આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને સર્વિસ ચાર્જ તરીકે ૩૪ લાખ અને સુરક્ષા ડિપોઝિટ તરીકે વધારાના  ૪૦ લાખ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. આમાંથી અમુક રકમની ચુકવણી કર્યા બાદ પણ ફરિયાદીને કોઈ રકમ ન મળતા તેમને ખ્યાલ આવ્યો હતો કે તેઓ ફ્રોડસ્ટારોના સુનિયોજિત કૌભાંડનો ભોગ બન્યા છે. ત્યાર બાદ તેમણે આ બાબતે મુંબઈ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વિવિધ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વિગત મેળવી ફ્રોડસ્ટરોને ઝડપી લેવાના પ્રયાસો આદર્યા છે.