Get The App

કોલ્હાપુરમાં ઘરમાં ઘુસીને મહિલા ડોક્ટર પર બળાત્કાર

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
કોલ્હાપુરમાં ઘરમાં ઘુસીને  મહિલા ડોક્ટર પર બળાત્કાર 1 - image

પતિને મળવા આવ્યો હોવાનું બહાનું બતાવ્યું 

બળાત્કારનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી એક લાખ માગ્યા

મુંબઈ -  કોલ્હાપુરમાં એક પરિચિત યુવકે મહિલા ડોક્ટરને તેના પતિને મળવા આવ્યો હોવાનું કહીને ઘરમાં ઘુસીને ડોક્ટર  પર બળાત્કાર ગુજાર્યો હતો.  તેણે આ બળાત્કારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને એક લાખની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. અદાલતે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

પોલીસે આપેલી માહિતી મુજબ, પીડિતા ૩૦ એપ્રિલના રોજ બપોરે  ત્રણ વાગ્યાની આસપાસ ઘરે એકલી હતી. તે સમયે શક્તિ ઘરે પહોંચ્યો હતો અને તેના પતિને મળવા આવ્યો હોવાનું કહીને બંગલામાં અંદર પ્રવેશ્યો હતોે. 

આરોપી પરિચિત હોવાથી મહિલા ડોક્ટર કિચનમાં શરબત બનાવવા ગઈ હતી. ત્યારે રસોડામાં જઈને આરોપી પીડિતાને બળજબરીથી બેડરુમમાં લઈ ગયો હતો.  આરોપીએ તેનું મો દબાવી દીધું હતું અને જો કંઈ બોલશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાદ માર માર્યો હતો અને તેનું જાતીય શોષણ કર્યું હતું.

વધુમાં આરોપીએ બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. આ તમામ ઘટનાથી માનસિક રીતે આઘાત પામેલી ફરિયાદી બે દિવસ સુધી તેના ઘરની બહાર જ નીકળી ન હતી.  આ બાદ   પહેલી  મેના રોજ આરોપીએ પીડિતાના મોબાઈલ ફોનમાં એક એપ પર બળાત્કારનો વીડિયો મોકલ્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા માટે એક લાખની માંગણી કરી હતી. 

આ તમામથી આઘાત પામેલી પીડિતાએ અંતે બીજા દિવસે રાજારામપુરી પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.