ગગડતા ભાવથી કંટાળી ખેડૂતે ૫૦ ટન કાંદા મફત આપી દીધા
માર્કેટમાં ભરપૂર આવક સામે ઉપાડ નહીં
નવી મુંબઈમાં રોજ ૯૦ ટ્રક કાંદા ઠલવાય છે ઃ હોલસેલમાં ૧૧ થી ૧૫ રૃપિયે કિલોનો ભાવ
મુંબઇ - નવી મુંબઇ એ.પી.એમ.સી. માર્કેટમાં કાંદાની ભરપૂર આવક થઇ રહી છે તેની સામે માલનો ઉપાડ થતો ન હોવાથી ભાવ ગગડવા માંડયા છે. કાંદાના તળિયે બેસવા માંડેલા ભાવન ે લીધે ખેડૂતોમાં નારાજી વ્યાપી છે. જ્યારે ગ્રાહકો રાજી છે. હજી થોડા મહિના કાંદાના ભાવ ઉંચકાવાની કોઇ શક્યતા નથી એમ નવી મુંબઇ કાંદા-બટેટા માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ એક ખેડૂતે ગગડતા ભાવથી ત્રાસી ૫૦ ટન કાંદા મફતમાં વહેચી દીધા હોવાનું જાણવા મળે છે.
કાંદાના ભાવ ઘટના જતા હોવાથી કાંદા ઉગાડતા ખેડૂતો માટે માઠા દિવસ આવ્યા છે. શાહદા તાલુકાના સારંગપેડા ગામે અમોલ પાટીલ નામના ખેડૂતો કાંદાનો ભાવ મળતો ન હોવાથી ફેંકી દેવાને બદલે કે પછી ટ્રેકટર ફેરવી કચડી નાખવાને બદલે લોકોને જોઇએ એટલા કાંદા મફતમાં લઇ જવાનું આહવાન કર્યું છે. આ અપીલ કાને ધરીને ગ્રામજનોએ મફત કાંદા મેળવવા માટે રીતસર ધસારો કર્યો હતો. ખેડૂતો ગણતરીના કલાકોમાં જ ૫૦ ટન કાંદા મફત વહેંચી દીધા હતા. પાટીલના પગલે બીજા ખેડૂતોએ પણ મફતમાં જ કાંદા આપી દેવાનું નક્કી કર્યું છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની ગણના દેશના મોટામાં મોટા કાંદા ઉત્પાદક મથકમાં થાય છે. નાસિક અને લાસલગાંવમાં ક ાંદાનો ભરપૂર પાક ઉતર્યો છે. તેની સામે માંગ ઘટી હોવાથી તેમ જ એક્સ્પોર્ટ ડયુટી હટાવ્યા પછી પણ ધારણા પ્રમાણે નિકાસ થતી ન હોવાથી ઘરઆંગણે જ માલ પડયો રહ્યો છે. આને કારણે ભાવ ગગડી ગયા છે.
નવી મુંબઇ એ.પી.એમ.સી.ના એક વેપારીએ જણાવ્યું હતું કે માર્કેટમાં દરરોજ કાંદાની ૮૦ થી ૯૦ ટ્રકો આવે છે હવે તો કાંદાના ઢગલાં થવા માંડયા છે. હોલસેલમાં એકદમ સારી ક્વોલિટીના કાંદા ૧૩ થી ૧૫ રૃપિયે કિલો અને થોડી હલકી ક્વોલિટીના કાંદા ૧૧ થી ૧૨ રૃપિયે કિલોના ભાવે વેંચાય છે. રિટેલમાં ૨૦ થી ૩૦ રૃપિયે કિલો કાંદા વેચાય છે.