Get The App

નવા નિયમથી રાજ્યની 620 સ્કૂલો બંધ થવાનો ભય

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
નવા નિયમથી રાજ્યની 620 સ્કૂલો બંધ થવાનો ભય 1 - image

પ્રતિ ૨૦ વિદ્યાર્થીએ એક શિક્ષક

શિક્ષક સંગઠનોએ રાજ્ય સરકારને આ નવી નીતિ અંગે પુનર્વિચાર કરવા અપીલ કરી

મુંબઈ-  મહારાષ્ટ્ર સરકારે શિક્ષક પદોની મંજૂરી માટે બનાવેલા નવા નિયમોને લઈ શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરોમાં ભારે ચિંતા વ્યક્ત થઈ રહી છે. તેમનું કહેવું છે કે, આ સુધારેલી નીતિના કારણે રાજ્યભરની સેંકડો સરકારી માધ્યમિક શાળાઓ બંધ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. નવા નિયમો મુજબ, હવે શાળામાં મંજૂર થનારા શિક્ષકોની સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના બદલે દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નક્કી કરાશે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આ બદલાવને લીધે રાજ્યની આશરે ૬૨૦ સરકારી શાળાઓમાં શિક્ષકનું એક પણ પદ મંજૂર નહીં થાય. જેમાંથી લગભગ ૯૦ મુંબઈની શાળાઓ છે. ખાસ કરી નાની શાળાઓ અને પ્રતિવર્ગ ૨૦ થી ઓછાં વિદ્યાર્થીઓ ધરાવતી મરાઠી , ગુજરાતી માધ્યમની શાળાઓ પર તેનો વધુ પ્રભાવ પડશે. અગાઉની પદ્ધતિ હેઠળ કુલ વિદ્યાર્થી સંખ્યાને આધારે શાળાઓને શિક્ષકો મંજૂર થતાં પછી ભલેે અલગ-અલગ વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય.

શિક્ષક સંગઠનો તથા વિધાનસભ્યોએ પણ રાજ્ય સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. તેમનો દાવો છે કે, પ્રતિ ૨૦ વિદ્યાર્થી એક શિક્ષકનો કાનૂની હક્ક હોવા છતાં આ નીતિ વિદ્યાર્થી પક્ષે અન્યાયી છે. પૂરતી મંજૂરી નહીં મળવાથી હાલના શિક્ષકોને સરપ્લસ થવું પડી શકે અને અનેક શાળાઓ બંધ પણ થઈ શકે.