હોટેલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને કલબ હાઉસમાં એફડીએની ટીમ જઇને ખાણાંની ગુણવત્તા ચકાસશ
મુંબઇ - થર્ટી ફર્સ્ટ નાઇટની ખાણીપીણી સાથે ધમાકેદાર ઉજવણી કરી નવ વર્ષને વધાવવા માટે શોખીનો સજ્જ થઇ ગયા છે. અને હોટેલ, પબ, બાર અને રિસોર્ટ બુક થઇ ગયા છે. ત્યારે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઓથોરિટી) સત્તાવાળા પણ 'ખાના-ખરાબી'થી અને ભેળસેળિયા ખાદ્યપદાર્થોથી કસ્ટમરોને બચાવવા માટે એકશન મોડ પર આવી ગઇ છે.
ન્યુ યરની પાર્ટીઓ લગભગ દસેક દિવસ તો ચાલતી હોય છે. એટલે એફડીએ દ્વારા 'પ્રણ- સુરક્ષિત અન્ન' ઉપક્રમ હેઠળ ૧૦મી જાન્યુઆરી સુધી હોટેલો, ફાર્મહાઉસ, રિસોર્ટ, કલબ-હાઉસ, ઉપહારગૃહોમાં ગ્રાહકોને પીરસાતી વિવિધ વાનગીઓની ગુણવત્તા ચકાસવામાં આવશે. જો મુદત બાહ્ય, ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તા ધરાવતા ખાદ્યપદાર્થ પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી વરિષ્ઠ સત્તાવાળા તરફથી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના એફડીએના કમિશનર શ્રીધર ડી. પાટીલે જણાવ્યું હતું કે નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યપદાર્થ મળે એના માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાદ્યપદાર્થની ગુણવત્તા ઉપરાંત કિચનની સ્વચ્છતાનો મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત સાંકડી જગ્યા, કચરાનો નિકાલ, સ્વચ્છ પાણી અને પ્રસાધનગૃહની વ્યવસ્થાની બાબત પણ એફડીએની ટીમ તપાસણી વખતે ધ્યાનમાં લેશે.


