ઘરેલુ કંકાસના કારણે બાપ દ્વારા પુત્રોની હત્યા
સંતાનોને કૂવામાં ધકેલ્યા બાદ ઘરે ફોનથી જાણ કરી, બાળકોનાં મોત ઃ પિતા હોસ્પિટલમાં
મુંબઈ - સોલાપુર જિલ્લાના કરમાળા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને મનને સુન્ન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. ઘરેલું કંકાસમાં એક પિતાએ તેના સાત વર્ષના બે જોડિયા સંતાનોેને કૂવામાં ધકેલી દીધા બાદ ઝેર ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પિતા બચી ગયા હતા, પણ સાત વર્ષના જોડિયા ભાઈ-બહેનનું ડૂબી જવાથી મોત થયું હતું.
આ બાબતે વધુ વિગત મુજબ કરમાળા તાલુકાના કેતુર ગામમાં સુહાસ જ્ઞાાનદેવ જાધવ (૩૨) વીજ વિતરણ કંપનીમાં કામ કરે છે. ઘરેલું કંકાસ અને ઘરમાં થયેલા નજીવા વિવાદમાં રોષે ભરાયેલો સુહાસ તેના સાત વર્ષના બે જોડિયા બાળકોને હિંગણી કાતેના ખેતરમાં લઈ ગયો હતો. અહીં તેણે બન્ને બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા અને ફોન કરી ઘરે આ વાતની જાણ કરી હતી. આ વાતની જાણ થતા જ કુટુંબીજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ દરમિયાન બન્ને બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. બીજી તરફ બન્ને બાળકોને કૂવામાં ધકેલી દીધા બાદ સુહાસને પશ્ચાતાપ થતા તેણે ઝેર ગટગટાવી લીધું હતું.
આ વાતની જાણ થતા જ કરમાળા પોલીસ મથકના જવાનો ઘટના સ્થલે દોડી આવ્યા હતા અને બન્ને બાળકોના મૃતદેહો કૂવામાંથી બહાર કાઢી, પંચનામું હાથ ધરી આગળની કાર્યવાહી શરૃ કરી હતી. આ બાબતે કરમાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૃ કરી હતી. બીજી તરફ પોલીસે સુહાસને શોધી કાઢી વધુ સારવાર માટે સોલાપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સુહાસે જોડકા બાળકોની ે હત્યા શા માટે કરી તે જાણી શકાયું નથી, પણ ઘરેલું કંકાસમાં આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવે છે.


