Mumbai

12 જુને તુટી પડેલાં વિમાનના પાઇલટ સુમિત સભરવાલના પિતાની વિધિસર તપાસની માંગણી

By GS TEAM
17 Sep 20253 mins read
12 જુને તુટી પડેલાં વિમાનના પાઇલટ સુમિત સભરવાલના પિતાની વિધિસર તપાસની માંગણી

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની તપાસની પસંદગીની માહિતી લીક થવાને કારણે કેપ્ટન સભરવાલની છાપ ખરડાઇ હોવાનો દાવો 

પ્રાથમિક તપાસના અહેવાલને પગલે થયેલી ઇશારતોને કારણે કેપ્ટન સુમિત સભરવાલની માનસિક હાલત વિશે અટકળો 

મુંબઇ -  બાર જુને અમદાવાદમાં તુટી પડેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૧૭૧ના પાઇલટ કેપ્ટન સુમિત અગરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો-એએઆઇબી-ની તપાસના પ્રાથમિક તારણોથી વ્યથિત થઇ આ અકસ્માતની કેન્દ્ર સરકાર દ્વારા વિધિસર તપાસ કરવામાં આવે તેવી પત્ર લખીને માગણી કરી છે. ભારતનો સૌથી ખરાબ વિમાની અકસ્માતમાંના એકમાં અમદાવાદથી ગેટવિક જઇ રહેલું બોઇંગ ૭૮૭-૮ વિમાન ઉડ્ડયન બાદ તરત જ તુટી પડતાં ૨૪૧ પ્રવાસીઓ સહિત કુલ ૨૬૦ જણાંના મોત થયા હતા.

એર ઇન્ડિયાની આ ફલાઇટના ૫૬ વર્ષના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના ૯૧ વર્ષના પિતા પુષ્કરાજ સભરવાલે નાગરિક ઉડ્ડયન સચિવ અને એએઆઇબીના ડાયરેક્ટરને પત્ર લખી  જણાવ્યું હતું કે આ અકસ્માત વિશે આંશિક પસંદગીની વિગતો લીક કરવાને પગલે એવી અટકળો થવા માંડી હતી કે કેપ્ટન સુમિત જબરદસ્ત માનસિક દબાણ હેઠળ હતા અને તેઓ આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યા હતા. આ ઇશારતોને કારણે મારી તબિયત પર પ્રતિકૂળ અસર થઇ છે અને કેપ્ટન સુમિત સભરવાલની પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો છે. પોતાની પ્રતિષ્ઠા જાળવવાનો મૂળભુત બંધારણીય અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ ભારતના દરેક નાગરિકને મળેલો છે.

પુષ્કરાજ સભરવાલે એરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઓફ એક્સિડેન્ટ્સ એન્ડ ઇન્સિડેન્ટસ) રૃલ્સ ૨૦૧૭ ના નિયમ બાર હેઠળ કેન્દ્ર સરકાર આ અકસ્માતની વિધિસર તપાસ કરે તેવી માંગણી કરી છે. એએઆઇબી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ પત્ર બાબતે કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. 

પત્રમાં સભરવાલે જણાવ્યું હતું કે બાર જુલાઇએ જારી કરવામાં આવેલાં પ્રાથમિક અહેવાલમાં  શું બન્યું હતું તે હકીકત જણાવવાને બદલે ઇશારતો કરવામાં આવી છે અને બીજી તરફ વિમાનના ઉત્પાદકો તથા અન્યને ક્લીન ચીટ ઓફર કરાઇ છે. વર્તમાન સ્વરૃપમાં આ અહેવાલ અધૂરો, ધ્યાન અન્યત્ર દોરનારો અને ખામીપૂર્ણ છે. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રાથમિક તપાસમાં એકત્ર કરવમાં આવેલી માહિતીમાંથી પસંદગીની માહિતી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કોકપિટ વોઇસ રેકોર્ડરની સામગ્રીનો પણ સમાવેશ થાય છે. 

પુષ્કરાજે પોતાના પુત્રની માનસિક હાલત ડાઇવોર્સને કારણે કથળી ગઇ હોવાના અનુમાનોને પાયારહિત ગણાવતાં જણાવ્યું હતું કે કેપ્ટન સભરવાલના ડાઇવોર્સ તો પંદર વર્ષ અગાઉ થઇ ગયા હતા. તેમની માતાના મૃત્યુને કારણે તેઓ આત્મહત્યા કરવા માંગતા હતા તેવી ઇશારતોને નકારી કાઢતાં તેમણે જણાવ્યું હતું કે તેની માતાનું અવસાન પણ ત્રણ વર્ષ અગાઉ થઇ ગયું હતું. એ પછી કેપ્ટન સભરવાલે ૧૦૦થી વધારે ફલાઇટનું ક્ષતિરહિત સંચાલન કર્યું હતું. કેપ્ટન સુમિત સભરવાલને પાઇલટ  ટ્રેનરનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેને માટે  ડીજીસીએ દ્વારા લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે સભરવાલને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. 

પુષ્કરાજે જણાવ્યું હતું કે નિયમ બાર હેઠળ વિધિસર તપાસ યોજાઇ ન હોવાથી અને તેમાં પણ પસંદગીની માહિતી મિડિયાને પુરી પાડવામાં આવી હોઇ તેના કારણે તેમના મૃત પુત્રના બંધારણીય અધિકારોનો ભંગ થયો છે.  નિયમ બાર હેઠળ ભારતમાં નોંધાયેલાં કોઇપણ વિમાનના  કોઇ અકસ્માતની કેન્દ્ર સરકાર તપાસ કરાવી શકે છે.