હોસ્પિટલમાં ભાનમાં આવેલી મોટી દીકરીએ ભાંડો ફોડયો
સાંગલીમાં પડોશીએ ચોરીની ફરિયાદ કરતાં હેવાન બનેલા બાપે માર મારી લટકાવતાં ૧૦ વર્ષની દીકરીએ દમ તોડયોઃ પાણી પણ ન આપ્યું
મુંબઈ - સાંગલી જિલ્લાના આટપાડી તાલુકામાં બનેલી માનવતાને લજાવતી એક ઘટનામાં એક પિતાએ ચોરીની શંકાથી તેની બે સગીર પુત્રીઓને પાઠ ભણાવવા આખી રાત ઊંધી લટકાવી રાખી હતી જેમાં ૧૦ વર્ષીય એક પુત્રીનું મોત થયું હતું. જ્યારે ૧૩ વર્ષની પુત્રીને ગંભીર અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. આ ઘટના બાદ પોલીસે દાદૂ યમગર (૩૮) નામના પિતાની ધરપકડ કરી હતી. આ ઘટનાને લીધે સાંગલીના આટપાડી તાલુકામાં ખળભળાટ મચી ગયો છે.
આ બાબતે પ્રાપ્ત વિગત અનુસાર આટપાડી તાલુકાના ધનપુરી નામના એક ગામમાં આ ઘટના બની હતી. અહીં રહેતા દાદૂ યમગર નામના એક વ્યક્તિના પાડોશીએ યમગરને તેની ૧૦ અને ૧૩ વર્ષની બે પુત્રીઓ તેના ઘરમાં થયેલ ચોરીની ઘટનામાં સંડોવાયેલી હોવાની ફરિયાદ કરી હતી. આ વાતથી રોષે ભરાયેલા યમગરે તેની ૧૦ વર્ષની પુત્રી સારિકા અને ૧૩ વર્ષની પુત્રી અનુજાને માર-મારી હતી અને છત સાથે બાંધી ઊંધી લટકાવી રાખી હતી.
હેવાન બનેલા પિતા યમગરે પુત્રીઓએ પાણા માગતા તેમને પાણી પણ આપ્યું નહોતું. પરિણામે સવારે ૧૦ વર્ષીય સારિકાનું તરફડીને મોત થયું હતું. જ્યારે ૧૩ વર્ષની અનુજા સવારે બેભાન અવસ્થામાં મળી આવી હતી.
આ ઘટના બાદ યમગર પરિવારે સારિકાના અંતિમ સંસ્કારની તૈયારી પણ આરંભી દીધી હતી. જોકે આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી અનુજા ભાનમાં આવતા તેણે તેની અને નાની બહેન સાથે બનેલી આપવીતી હોસ્પિટલના ડોક્ટરોને જણાવતા તેમણે તરત જ આ વાતની જાણ આટપાડી પોલીસ મથકમાં કરતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ ઘટના બાદ આટપાડી પોલીસની એક ટીમ તાત્કાલિક યમગરના ઘરે પહોંચી ગઈ હતી અને તેને તાબામાં લઈ વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી શરૃ કરી હતી.


