For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુત્રએ સંતાડેલી જિલેટિન સ્ટોકના વિસ્ફોટમાં પિતાનું મોત

Updated: May 26th, 2023

Article Content Image

બીડ જિલ્લામાં પુત્રની નજર સામે જ પિતા કાળનો કોળિયો

પિતાએ કચરાને આગ લગાવી, ત્યાં જ સ્ટિક છૂપાડનાર પુત્ર દૂરથી જોઈ દોડતો આવ્યો પણ ત્યાં સુધીમાં વિસ્ફોટ થઈ ગયો

મુંબઈ :  બીડ જિલ્લાના પિંપળનેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પુત્રએ કોઈ ચોરી ન જાય તે માટે જીલેટીન સ્ટીકનો જથ્થો ખેતરમાં એક જગ્યાએ અમુક વસ્તુની વચ્ચે છુપાવીને મૂક્યો હતો. આ જથ્થાને પિતાએ આગ લગાડતા થયેલા ધડાકામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનામાં પુત્ર પણ ગંભીર ઈજા પામ્યો છે. પિતા અમુક વસ્તુના જથ્થાને આગ લગાડતા હોવાનું પુત્રએ દૂરથી જોયું હતું. આ વસ્તુના જથ્થાને વચ્ચે જીલેટીન સ્ટીક હોવાથી તે દોડતો પિતાને રોકવા આવી રહ્યો હતો પણ તે દરમ્યાન સ્ફોટ થયો હતો અને પુત્રની સામે જ પિતાનું મોત થયું હતું.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર આપ્પાસાહેબ સોપાન મસ્કે (૫૭)ના ખેતરમાં કૂવો ખોદવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે અંદરના ખડકો ફોડવા માટે જીલેટીન સ્ટીકનો ઉપયોગ કરવામાં આવતો હતો. મસ્કેના પુત્ર ઋષિકેશે (૨૨) જીલેટીનની અમુક સ્ટીક ખેતરમાં એક વિશિષ્ટ સ્થળે અમુક વસ્તુની વચ્ચે છૂપાવી રાખી હતી. આ વાતની જાણ અન્ય કોઈને નહોતી.

ઘટનાના દિવસે આપ્પાસાહેબે આ સ્થળે અમુક કચરો ભેગો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી. દરમ્યાન આ  સ્થળે છૂપાવી રાખવામાં આવેલ જીલેટીન સ્ટીકને પણ આગ લાગી હતી. ઋષિકેશ આ દ્રશ્ય જોઈ પિતાને બચાવવા દોડયો હતો પણ તે દરમ્યાન જીલેટીન સ્ટીકનો સ્ફોટ થયો હતો અને મસ્કે માર્યા ગયા હતા. આ ઘટનામાં ઋષિકેશને ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક વ્યક્તિ પણ ઘવાયો હતો. આ સંદર્ભે પિંપળનેર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Gujarat