ફાધર્સ ડેના દિવસે જ પિતા-પુત્રએ સાથે જીવ ગુમાવ્યો

પતિ-પુત્રના મોત વિશે યુવતી અજાણ
આઈટી પ્રોફેશનલ દંપતીના પાંચ વર્ષના પુત્રની આજથી સ્કૂૂલ ચાલુ થવાની હતી
મુંબઈ - પુણે જિલ્લાના માવળ તાલુકાના કુંજમળા ખાતે ઈન્દ્રાયણી નદી પરનો રાહદારી પુલ રવિવારે તૂટી પડતાં ચાર જણનાં મોત થયા હતા.આ મૃતકોમાં પિતા-પુત્રની જોડીનો પણ સમાવેશ થાય છે.
રવિવારે ફાધર્સ-ડે હોવાથી ચિંચવડમાં રહેતાં આઈટીપ્રોફેશનલ દંપતિ રોહિત માને (૩૫) અને શમિતા માને (૩૨) તેમના પાચ વર્ષના પુત્ર વિહાનને લઈ કુંડમળા ધોધ વિસ્તારમાં વરસતા વરસાદનો આનંદ લેવા આવ્યા હતા અને પુલ પરથી નદીનો નઝારો માણી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી જેમાં રોહિત માને અને પુત્ર વિહાનનું ઈન્દ્રાયણી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે શમિતા માને બચી ગયા હતા પણ તેમને પગમાં ગંભીર ઈજા થઈ છે તેમની સારવાર સોમાટણે ફાટા પાસે આવેલ પાવના હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દંપતીએ હજુ થોડા સમય પહેલાં જ નવું ઘર લીધું હતું.
આ સમગ્ર ઘટના બાબતે વિહાનના નાના અને શમિતાના પિતા સંજય કદમે જણાવ્યું હતું કે આ પુલ જૂેનો અને જર્જરિત હતો તેમ જ રાહદારીઓને આ પુલ પર આવવાની મનાઈ હતી. આ પુલની સ્થિતિ સારી નહોતી તો શા માટે તેનું સમારકામ કરવામાં આવ્યું નહોતું. જો તેનું સમયસર સમારકામ પણ કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોય અને મારો દૌહિત્ર અને જમાઈ આજે જીવતા હોત. વિહાનની તો આજથી સ્કૂલ પણ શરૃ થવાની હતી. અમને તો આ ન પુરી શકાય તેવી ખોટ પડી છે હોસ્પિટલમાં સારવાર લેતી મારી પુત્રીને હું ક્યાં મોઢે જણાવું કે તેના પતિ અને પુત્રનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ રીતે દુઃખ વ્યકત કરી કદમ પડી ભાંગ્યા હતા.








