Mumbai

કાંદિવલીમાં પિતા-પુત્ર ડૂબ્યા, થાણેમાં ડેમમાં યુવકનું મોત

By GS TEAM
14 Aug 20252 mins read
કાંદિવલીમાં  પિતા-પુત્ર  ડૂબ્યા, થાણેમાં ડેમમાં યુવકનું મોત

ડૂબી જવાની ત્રણ ઘટનાઓમાં છનાં મોત

 ગોંદિયામાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબી ગયા

મુંબઈ -  મહારાષ્ટ્રમાં ત્રણ વિવિધ ઘટનાઓમાં ડૂબી જવાથી એક સગીર સહિત છના મોત નીપજ્યા હતા. જેમાં કાંદિવલીમાં બે, થાણેમાં એક અને ગોદિયામાં ત્રણ યુવકોના મોત થયા હતા.

કાંદિવલીના કુરાર પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ૫૦ વર્ષીય એકનાથ પાટીલ અને તેનો ૧૨ વર્ષીય પુત્ર વૈષ્ણવ પાટીલ બંને હરિચી બાવડી તળાવમાં કરચલા પકડવા માટે ગયા હતા. જેમાં કરચલા પકડતા સમયે તરુણે સંતુલન ગુમાવતા લપસી જતાં ડૂબવા લાગ્યો હતો. આથી તેના પિતા પુત્રને બચાવવા માટે તરત પાણીમાં કૂદી પડયા હતા. જો કે,  પાણીનો ચોક્કસ અંદર ન રહેતા બંને પિતા પુત્ર ડૂબી ગયા હતા. 

બીજી ઘટનામાં  છત્રપતિ સંભાજી નગરનો રહેવાસી ૨૧ વર્ષીય તેજસ  થાણેમાં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો. જેમાં સાંજે ૫.૫૨ વાગ્યાની આસપાસ ઓવલાના પાબખડા ગામમાં આવેલા પાનખંડા ડેમ ખાતે તેજસ પાણીમાં તરવા માટે ઉતર્યો હતો. જો કે, પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા તે ડૂબવા લાગ્યો હતો. આ સમયે  ત્યાં હાજર લોકોને આ ઘટના ધ્યાનમાં આવતા તેજસને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.  જો કે, તેનું મોત નીપજ્યું હતું.

ઉપરાંત, ગોદિંયામાં વૈનગંગા નદીમાં ૨૦ વર્ષીય મોહિત બુરડે, ૨૧ વર્ષીય અખિલ બુરડે અને રાકેશ તમુસર મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ નદીમાં ન્હાવા ગયા હતા. આ સમયે અખિલના પિતા પણ તેની સાથે હાજર હતા. 

જેમાં ન્હાતી વખતે ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા. આ ઘટના અખિલના પિતાને ધ્યાનમાં આવતા તેઓ તરત જ તેમને બચાવવા પાણીમાં કૂદી પડયા હતા. જો કે, અખિલના પિતા ત્રણેય યુવકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ત્રણેય પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા.