Mumbai

ભિવંડીમાં કન્ટનરે બાઈકને ટક્કર મારતાં પિતા અને બાળકીનાં મોત

By GS TEAM
19 Sep 20251 min read
ભિવંડીમાં કન્ટનરે બાઈકને ટક્કર મારતાં પિતા અને બાળકીનાં મોત

પડઘામાં ભરબપોરે હચમચાવનારો અકસ્માત 

બીમાર બાળકીને સારવાર માટે ડૉકટર પાસે લઇ જઇ રહ્યા હતાં ઃ બાળકીની માતાને ગંભીર ઈજા

મુંબઇ  -  પાવરલૂમ  સિટી ભિવંડીમાં આજે બાઇક અને કન્ટેનર વચ્ચે અથડામણથી થયેલા ભીષણ  અકસ્માતમાં  યુવક અને તેની ત્રણ વર્ષીય પુત્રી મોતને ભેટયા હતા. જ્યારે મૃતકની પત્નીને ગંભીર ઇજા થઇ હતી. આ દંપતી તેમની બીમાર પુત્રીને તપાસ માટે ડૉકટર પાસે લઇ જઇ રહ્યા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યુ ંહતું. થાણે ગ્રામિણના  એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અનમોલ મિતલે કહ્યું હતું કે ભિવંડીના પડઘામાં બપોરે આ ઘટના બની હતી.

પડઘાના  બોરીવલીના રહેવાસી સહીમ મકબુલ ખોત તેની પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે બાઇક પર જઇ રહ્યા હતા. તે સમયે અકસ્માત થયો હતો. ખોતે રસ્તો બદલવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કન્ટેનર અને રિક્ષા વચ્ચે બાઇક ચલાવવી હતી. દરમિયાન બાઇકની કન્ટેનર સાથે અથડામણ થઇ હતી એમ મિતલે જણાવ્યુ ંહતું.

અકસ્માતમાં ખોતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. થોડીવાર બાદ ત્રણ વર્ષીય પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. ખોતની પત્નીને  ગંભીર ઇજા થઇ હતી. તે થાણેની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

એક સંબંધીએ જણાવ્યું હતું કે દંપતીની પુત્રી બીમાર હતી. તેને સારવાર માટે ડૉકટર પાસે લઇ જઇ રહ્યા હતા. પણ દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું.