ખેડૂતે ભેંસ ખરીદવા ભેગા કરેલા 5 લાખ પુત્રએ ગેમ રમવામાં ઉડાવ્યા
ખાતાંમાંથી પૈસા ગાયબ થતાં પોલીસ ફરિયાદ કરી ત્યારે જાણ થઈ
કોલ્હાપુરના ખેડૂત પિતાએ રમવા આપેલા મોબાઈલ પરથી પુત્રએ વર્ચ્યુઅલ વેપન્સન ખરીદવામાં અજાણતાં જ ફ્રોડસ્ટર્સને એક્સેસ આપી દીધી
મુંબઈ - કોલ્હાપુરમાં એક ગરીબ ખેડૂતે પાઇ-પાઇ બચાવી ભેંસ ખરીદવા સાત લાખ રૃપિયા ભેગા કર્યા હતા. જોકે છઠ્ઠા ધોરણમાં ભણતા તેના પુત્રએ પાંચ લાખ રૃપિયા ફ્રી ફાયર ગેમ રમવામાં ઉડાવી દેતા ખેડૂતને મોટો આંચકો લાગ્યો હતો. શરૃઆતમાં ખેડૂતને આ વાતની જાણ થઇ નહોતી પણ તેના ખાતમાંથી અચાનક પાંચ લાખ રૃપિયાની રકમ ઉડી જતા બેંકના કહેવાથી તેણે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ તપાસમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર કોલ્હાપુરના રાધાનગરી તાલુકાના એક ગામમાં રહેતા એક ખેડૂતે ભેંસ ખરીદવા ધીમે-ધીમે બચત કરી સાત લાખ રૃપિયા જમા કર્યા હતા. ખેડૂત થોડા સમય પહેલા અમૂક કામસર બેંકમાં ગયો ત્યારે તેના ખાતામાં ફક્ત બે લાખ રૃપિયાની જ બેલેન્સ બચી હોવાનું બેંકના કર્મચારીએ ખેડૂતને જણાવ્યુ ંહતું. આ વાત સાંભળી તેને આશ્ચર્ય થયું હતું અને તેણે વધુ તપાસ કરતા સાત લાખમાંથી પાંચ લાખની રકમ થોડા દિવસમાં વિવિધ ટ્રાન્ઝેકશન દ્વારા ડેબિટ થઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ખેડૂતે પોતે કોઇ ટ્રાન્ઝેકશન કર્યું ન હોવાનું જણાવતા બેંકના અધિકારીઓએ તેને સાયબર પોલીસમાં ફરિયાદ કરવા કહ્યું હતું.
બેંકના જણાવ્યા મુજબ ખેડૂતે સાયબર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ બાબતે તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. જેના ખેડૂતના છઠ્ઠા ધોરણમાં ભણતા પુત્રએ ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમવામાં આ પૈસા ઉડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ખેડૂતના છઠ્ઠા ધોરણમાં ભણતા પુત્રએ 'ફ્રી ફાયર' ગેમમાં વર્ચ્યુઅલ વેપન્સ ખરીદવા આ રકમ વાપરી હોવાનું બેંક સ્ટેટમેન્ટ પરથી ફલિત થયું હતું. આ બાબતે તેની પૂછપરછ અને બેંક સ્ટેટમેન્ટમાં દર્શાવેલ ટ્રાન્ઝેકશન આઇડીની વધુ તપાસ બાદ કરતા ફ્રી ફાયર ગેમ રમવામાં આ પૈસા ઉડી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાબતે એક અધિકારી અનુસાર ખેડૂતનો પુત્ર ઘણીવાર તેનો મોબાઇલ લઇ તેમાં ગેમ રમતો હતો. આ મોબાઇલ નંબર ખેડૂતના બેંક એકાઉન્ટથી લિંક હતો. ખેડૂતના પુત્રએ ગેમ રમતી વખતે અજાણતા અમૂક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ દ્વારા ફ્રોડસ્ટરોએ મોબાઇલનો એક્સેસ મેળવી વિવિધ ટ્રાન્ઝેકશન દ્વારા આ રકમ અન્ય ખાતાઓમાં વાળી દીધી હતી. એવું તપાસમાં જણાયું હતું કે 'ફ્રી ફાયર' ગેમને લીધે ગેમિંગ એપ તમારા તમામ ડેટાનું એકસેસ પણ મેળવીલે છે. ખેડૂતના પુત્રને આ વાતની જાણ નહોતી અને વર્ચ્યુઅલ વેપન ખરીદતી વખતે ફ્રોડસ્ટરોએ મોબાઇલનો એકસેસ મેળવી આ ઠગાઇ આદરી હતી. પોલીસે અજાણ્યા ફ્રોસ્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. જોકે આ રકમ હવે પાછી મળે તેની શક્યતા અત્યંત ધૂંધળી હોવાનું કહેવાય છે.