ઈરાન યુદ્ધની ટમેટા ઉત્પાદકો પર પણ અસર
હોટેલની ડિમાન્ડ ઘટી જતાં ભાવ ઘટીને કિલોએ પાંચ રુપિયા થઈ ગયાઃ ઉત્પાદન ખર્ચ પણ માથે પડે છે
મુંબઈ - છત્રપતિ સંભાજીનગરમાં ટામેટાંના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ટામેટાંનો ભાવ પ્રતિકિલોએ ઊતરીને પાંચ રુપિયાએ પહોંચી જતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ તેમાંથી મળી રહ્યો નથી. પરિણામે ઘણાં ખેડૂતો પશુઓ સામે ટામેટાં મૂકી તેમને ખવડાવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યાનુસાર, ૨૦ કિલોની એક ક્રેટના માત્ર ૧૦૦ થી ૧૫૦ રુપિયા મળી રહ્યા છે. જે ખેતી અને પરિવહન ખર્ચ કરતાં ઘણીય ઓછી કિંમત છે. અગાઉ અહીંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સમા દેશોમાં ટામેટાંની નિકાસ થતી હતી. પરંતુ હવે પરિવહન ખર્ચ પણ ઉઠાવી શકાય તેમ નથી. જેથી ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે.
આ ભાવપતનનું મુખ્ય કારણ બજારમાં વધતી આવક અને ઘટતી માગ છે. ગેસની અછતને લીધે હૉટેલોમાં વપરાશ ઘટયો છે. જેના લીધે મોટા પાયે ખરીદી પણ ઘટી છે. ટામેટાં સિવાય અન્ય શાકના ભાવમાં પણ ઘટાડો થયો છે, જે ખેડૂતો માટે સંકટ વધુ ગંભીર બનાવે છે.


