Mumbai

83 લાખ એકર જમીન પર પાક ધોવાઈ જતાં ખેડૂૂતોની દિવાળી બગડી

By GS TEAM
26 Sep 20252 mins read
83 લાખ એકર જમીન પર પાક ધોવાઈ જતાં ખેડૂૂતોની દિવાળી બગડી

આભ વરસ્યા બાદ હવે ખેડૂતોની આંખો ચોધાર વરસી રહી છે

હળદર, કપાસ, સોયાબીન, ડુંગળી, જુવાર જેવા પાકને વધુ નુકસાન ઃ મંત્રીઓ ફલડ ટૂરિઝમ પર નીકળ્યા

મુંબઈ -  મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરથી ૮૩.૭૭ લાખ એકર જમીનનું ધોવાણ થતાં હળદર, સોયાબીન,  કપાસ, ડુંગળી અને જુવાર સહિતના પાકને ભારે નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.  ખેડૂતો બેહાલ બની ગયા છે, તેમના માટે સામી દિવાળીએ હૈયા હોળી  સર્જાતાં હવે  આકાશ ચોધાર વરસ્યા બાદ હવે તેમની આંખો ચોધાર રડી રહી છે.  બીજી તરફ જુદાં જુદાં ખાતાંના મંત્રીઓ સહિતના નેતાઓ ફલડ ટૂૂરિઝમ પર નીકળ્યા છે  અને નિવેદનબાજીમાં વ્યસ્ત બની ગયા છે. 

રાજ્યના  કેટલાક ભાગોમાં ખાસ કરીને મરાઠાવાડા ક્ષેત્રમાં વરસાદ અને પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ છે. જેના કારણે છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, ધારાશિવ, જાલના અને અન્ય જિલ્લાઓમાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. 

 સોલાપુર જિલ્લામાં પણ આવી ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિપક્ષોએ  લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે.

રાજ્યમાં ૬૫૪ મહેસુલ વર્તુળોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ૮૩.૭૭ લાખ ેકર જમીન પરના પાકને નુકસાન થયું છે. બીડ, ધારાશિવ, સોલાપુર, નાંદેડ, યવતમાળ, બુલઢાણા અન ે હિંગોલી જિલ્લામાં સોયાબીન, કપાસ, ડુંગળી, જીવનર અને હળદરના પાકને સૌથી વધુ નુકસાન પામ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

 કૃષિ મંત્રી દત્તાત્રય ભરણેએ જણાવ્યું હતું કે જો ખેડૂતના પાક સંબંધે એક ગુંઠા જમીનનું  મૂલ્યાંકન  પણ ચૂકી જવાશે તો  અધિકારીઓ જવાબદાર રહેશે. ખેડૂતો ભારે તકલીફમાં છે અને વહીવટીતંત્રેએ ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ ખેડૂત મદદથી વંચિત ન રહેવો જોઈએ.

મત્સ્ય  ઉદ્યોગ મંત્રી નિતેશ રાણેએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેઓ અસરગ્રસ્ત સ્થળોની વ્યક્તિગત મુલાકાત લઈને ૧૦ દિવસમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કરે અને સચોટ માહિતી એકત્રિત કરે.

કેબિનેટ  મંત્રીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે.  બીજી તરફ વિપક્ષ પક્ષો સરકાર પાસે ભીના દુષ્કાળની જાહેરાતની માગણી કરી રહ્યા છે.

વિપક્ષ દ્વારા  પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિ એકર રૃ. ૫૦,૦૦૦ નાણાકીય સહાય આપવાની માગણી  થઈ છે.