યુએસ, ઈરાન, ઈરાકથી પુષ્કળ ભંડોળ મેળવાયું
જાસૂસી એન્ગલ સાથે હવે નકલી વિજ્ઞાની તથા તેના ભાઈને વિદેશથી પૈસા કોણે મોકલ્યા અને કયા હેતુમાં વપરાયા તેની પણ તપાસ
મુંબઇ - દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા વર્સોવાથી ઝડપાયેલા ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ના નકલી વૈજ્ઞાાનિક અખ્તર કુથુબુદ્દીન હુસૈની ઉર્ફ એલેકઝાંડર પામર (૬૦) અને તેના ભાઇ આદિલ હુસૈની ઉર્ફે સૈયદ આદિલ હુસૈની ઉર્ફે મોહમ્મદ આદિલ હુસૈની ઉર્ફે નસીમુદ્દીન છેક ૧૯૯૫થી વિદેશથી કરોડોનું ભંડોળ મેળવતા હોવાનું બહાર આવ્યું છે. આ કેસ ફક્ત નકલી ઓળખ દ્વારા છેતરપિંડી નહિ પરંતુ જાસૂસીનો હોવાનો એન્ગલ અગાઉ જ બહાર આવ્યો છે તેમાં હવે આ નવા ઘટસ્ફોટથી તપાસ એજન્સીઓની તપાસ વધુ એક નવી દિશામાં ફંટાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હુસૈની બંધુઓએ ચુનાબેડ સ્ટેટ્સ (યુએસ) ઇરાન અને ઇરાકમાંથી કરોડો રૃપિયાનું વિદેશી ભંડોળ મેળવ્યું હતું. આ વિદેશી ભંડોળ સીધુ તેમના બેંક ખાતાઓમાં જમાં થયું હતું. તપાસ એજન્સીઓ હવે આ પૈસા કોણ મોકલતું હતું અને તે ક્યાં વપરાયા તેની તપાસ કરી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર હુસૈની બંધુઓ ૧૯૯૦ના દાયકાથી સક્રિય છે અને લગભગ ૧૯૯૫થી વિદેશી ભંડોળ મેળવતા હતા. તે સમયગાળા દરમિયાન તેમણે ગુપ્ત માહિતી ધરાવતા હોવાનો ખોટો દાવો કરીને બીએઆરસી અને અન્ય પરમાણું એકમોની ખોટી બ્લ્યુપ્રિન્ટ બતાવીને લાખો રૃપિયા મેળવ્યા હોવાનો આરોપ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે શરૃઆતમાં લાખોમાં મળતું આ ભંડોળ ૨૦૦૦ના દાયકાની શરૃઆતમાં વધીને કરોડો સુધી પહોંચી ગયું હતું. જોકે તપાસ કર્તાઓએ શોધી કાઢ્યું હતું કે જેમાં ભંડોળ મળ્યું હતું તેવાં કેટલાંય ખાતાં બેન્ક આરોપીઓ દ્વારા અગાઉ જ બંધ કરી દેવાયાં છે.
આ સમગ્ર કેસમાં તપાસકર્તાઓએ ઉંડી તપાસ હાથ ધરી અખ્તર હુસૈનીના કોટક મહિન્દ્રા બેંક નાં એક ખાતાને શોધી કાઢ્યું હતું. આ બાબતે ખાતાના વ્યવહારોની વિગતો માંગતી ઔપચારિક વિનંતી બેંકને મોકલવામાં આવી છે. એકવાર આ રેકોર્ડ પ્રાપ્ત થઇ જાય પછી તપાસકર્તાઓ અખ્તરને મળેલા વિદેશી ભંડોળની ચોક્કસ રકમ નક્કી કરવાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત જે ખાતાઓ બંધ કરી નાંખવામાં આવ્યા છે તે ખાતાઓની માહિતી એકત્રિત કરવાના પ્રયાસો પણ ચાલું છે.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોનો દાવો છે કે નવીનતમ તારણો મજબૂત રીતે સૂચવે છે કે બન્ને ભાઇઓ જાસૂસી સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ કડીઓને સાબિત કરવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. એવું પણ બહાર આવ્યું છે કે આદિલના નિર્દેશ પર અન્ય એક આરોપી મુનાઝીર ખાને અનેક નકલી ઓળખ દસ્તાવેજો બનાવ્યા હતા. તેમના લેપટોપમાંથી આ દસ્તાવેજો મળ્યા છે. આ પાછળના હેતુની પણ તપાસ કરવામાં આવી રહી છે. પણ શંકા છે કે તેના ભાઇ આદિલની જેમ અખ્તર પણ પાકિસ્તાન ગયો છે અને તેના ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) સાથે સંબંધો હોઇ શકે છે. આ બાબતે હજી નક્કર પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાન્ચ આદિલની પૂછપરછમાથી મળેલી માહિતીના આધારે અખ્તરની પૂછપરછ કરવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથે સંકલન કરવાની યોજના ધરાવે છે.
ત્રણ વિદેશી રાષ્ટ્રો અમેરિકા, ઇરાન અને ઇરાક તરફથી ભંડોળના ખુલાસાથી રાષ્ટ્રીય સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઉભી થઇ છે આ બાબતની સંપૂર્ણ તપાસ હવે આંતરરાષ્ટ્રીય નાણાના ટ્રેલને શોધવા પર કેન્દ્રિત કરવામાં આવી છે.
વર્સોવાના યારી રોડ પર રહેતા ૬૦ વર્ષીય અખ્તર હુસૈનીના ૧૭ ઓકટોબરના રોજ બીએઆરસીના વૈજ્ઞાાનિક તરીકે ઓલખાવા બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે તેના પાસેથી એલેકઝાંડર પામર અને અલી રેઝ હોસેની નામના બીએઆરસીના બે નકલી આઇકાર્ડ જપ્ત કર્યા હતા.


