વસઈના પાલિકાનાં દવાખાના, હોસ્પિટલો માટે નકલી દવાઓ પધરાવાઈ
વિનામૂલ્યે સારવાર લેતા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં
સાત ડ્રગ સપ્લાયર સામે પોલીસ ફરિયાદઃ જેલમાં બંધ રીઢા ગુનેગારની જ પાલિકાને નકલી દવાઓ મોકલવામાં સંડોવણી
મુંબઈ - વસઈ-વિરાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને નકલી દવાઓ સપ્લાય કરવામાં આવતી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ સાતિવલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના માતૃ અને બાળ સંભાળ કેન્દ્રમાં દવાઓના નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું. નકલી દવાની ગોળીઓ સપ્લાય કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે, અધિકારીઓએ વાલીવ પોલીસ સ્ટેશનમાં સપ્લાયર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. આરોગ્ય વિભાગને દવાઓ પૂરી પાડવા માટે મહાનગરપાલિકાએ સપ્લાયર્સની નિમણૂક કરી છે અને તેમના દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને પ્રસૂતિ અને બાળ સંભાળ કેન્દ્રોને દવાઓ પૂરી પાડવામાં આવે છે.
તાજેતરમાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ વસઈ પૂર્વના સાતિવલીમાં માતૃત્વ અને બાળ સંભાળ કેન્દ્રને પૂરી પાડવામાં આવેલી કેટલીક દવાઓના ૧૦ અનૌપચારિક નમૂનાઓ પરીક્ષણ માટે લીધા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન, દવાઓ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આમાં દવા પૂરી પાડતી સપ્લાય ચેઇનની તપાસ કરવાનો સમાવેશ થતો હતો. આમાં, તેમને તે સપ્યાલર્સ વિશે માહિતી માંગવામાં આવી હતી જ્યાંથી તેઓ ફાર્માસ્યુટિકલ સ્ટોક ખરીદતા અને વેચતા હતા. જો કે, તેમના દ્વારા યોગ્ય માહિતી મળી ન હોવાથી, ડ્રગ સપ્લાયર મે પ્રણિક એન્ટરપ્રાઇઝ અને છ અન્ય સપ્લાયર્સ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૪૦(૨), ૨૭૮, ૩ (૫) અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ ની કલમ ૧૭(બ) હેઠળ વાલિવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, એમ ડ્રગ ઇન્સ્પેક્ટર સતીશ ચવ્હાણે જણાવ્યું હતું.
નકલી દવાઓ સપ્લાય કરતું રેકેટ સક્રિય હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નકલી દવા સપ્લાય કેસ પાછળનો મુખ્ય સૂત્રધાર વિજય શૈલેન્દ્ર ચૌધરી હાલમાં બે ગંભીર આરોપોમાં નાગપુર જેલમાં છે, એમ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકારની નકલી દવાઓ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે તેવી શક્યતા છે. આ કારણોસર, નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે જે સપ્લાયર્સ નગરપાલિકાને દવાનો સ્ટોક પૂરો પાડે છે અને તે દવાઓની ચકાસણી કરવામાં આવે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહેલી આ નકલી દવાઓ સપ્લાય કરતી કંપનીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી અને તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે.
મહાનગરપાલિકાઅ પૂર્વતપાસ કર્યાનો દાવો
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ દવાનો સ્ટોક આવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના મુખ્ય મેડિકલ અધિકારી ડા. ભક્તિ ચૌધરીએ દાવો કર્યો છે કે દવાઓ સંબંધિત પ્રમાણપત્રો, સપ્લાયર્સના દસ્તાવેજો અને દવાઓ વિશેની માહિતી જેવા તમામ પાસાઓની તપાસ કરવામાં આવે છે. તેમ જ જે પ્રમાણે ફરિયાદો આવે છે તે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ કરી રહી છે.