કસ્ટમના ગેસ્ટ હાઉસમાં રોકાયેલા નકલી આઈએએસ અધિકારીની ધરપકડ

ભારત સરકાર લખેલી કાર, નકલી આઈડીથી રોફ છાંટતો હતોે
મૂળ બિહારના યુવક પાસેથી ગૃહ મંત્રાલયના નકલી ઓળખ દસ્તાવેજો મળ્યાઃ સ્વાંગ ધરવા પાછળનો હેતુ જાણવા તપાસ
મુંબઇ - ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (આઇએએસ) અધિકારી તરીકે ઓળખાણ આપી બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં કસ્ટમ્સ વિભાગના ગેસ્ટ હાઉસમાં રોકાયેલ બિહારના ૩૨ વર્ષીય યુવકને પોલીસે ઝડપી લીધો છે. આરીપીએ સરકારી બનાવતી આઇડેન્ટી કાર્ડ બનાવ્યું હતું અને પોતાની કાર પર ભારત સરકારનું નકલી ચિહ્ન લગાવ્યું હતું, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.
મૂળ બિહારના વૈશાલી જિલ્લામાં મહુઆ ખાતે રહેતા ચંદ્રમોહન સિંહ (ઉં.વ.૩૨)ને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે.
મલાડ (પશ્ચિમ)માં હોટેલ પાસે એક વ્યક્તિ આઇએએસ અધિકારી હોવાનો ડોળ કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.આ માહિતીના આધારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમણે ભારત સરકાર નામની પ્લેટ ધરાવતી કાર જોઇ હતી. કારમાં ડ્રાઇવર અને પાછળ સીટ પર એક વ્યક્તિ બેઠેલો હતો.
આરોપી ચંદ્રમોહને પોતાને આઇએએસ અધિકારી તરીકે ઓળખાતી બનાવટી આઇડેન્ટી કાર્ડ દાખવ્યું હતું. તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પછી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે દસ્તાવેજો બનાવટી હોવાનું કબૂલ્યું હતું.
બનાવટી દસ્તાવેજોના આધારે તે સરકારી અધિકારી હોવાનો દાવો કરીને તે બીકેસીમાં કસ્ટમ્સર્ડપાર્ટમેન્ટની ગેસ્ટ હાઉસમાં લગભગ બે દિવસ રોકાયો હતો. આમ સુરક્ષાના દ્રષ્ટિ કોણથી આ ગંભીર મામલો છે. આરોપી પાસેથી ગૃહમંત્રાલયનું નકલી ઓળખપત્ર, સુરક્ષા વિભાગમાં સેક્શન ઓફિસર હોવાનું વિઝિટિંગ કાર્ડ, એક આધારકાર્ડ, બે મોબાઇલ ફોન, કાર પર ભારત સરકારના નામની પ્લેટ જપ્ત કરાવી પોલીસે સંબંધિત કલમ હેઠળ કેસ નોંધી આ ઠગની ધરપકડ કરી હતી.
પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કાર કાંબળે નામના વ્યક્તિની હતી. ડ્રાઇવરના જણાવ્યા મુજબ કારના માલિક પાસે કામ કરતા એક મિત્રનો તેને ફોન આવ્યો હતો. તેને પન્હાળા ગેસ્ટ હાઉસમાંથી સાહેબ ચંદ્રમોહનને જુદા જુદા સ્થળે લઇ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આરોપી ઓડિટના કામથી અહીં આવ્યો હોવાનો દાવો પણ કરાયો હ તો.
આઇએએસ અધિકારી તરીકે ફરવા પાછળનો સિંહનો હેતુ જાણવા પોલીસે વધુ તપાસ આદરી હતી.
દાદરમાં ટ્રાફિક પોલીસને પણ છેતર્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૩૦
ઠગ ચંદ્રમોહન દ્વારા ઉપયોગમાં લેવાતી કારને દાદરમાં ટ્રાફિક પોલીસે અટકાવી હતી. પરંતુ આરોપીએ તેનું આઇએએસ અધિકારી તરીકેનું નકલી આઇડેન્ટી કાર્ડ દાખવ્યું હતું. આથી પોલીસે વધુ તપાસ કે પૂછપરછ કરી નહોતી. આમ ચકાસણી કર્યા વિના જ તેની કારને છોડી દેવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે એવી પણ શંકા છે કે આરોપીએ ખોટા બહાને કેટલાક અધિકારીઓને મળવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભમાં તપાસ ચાલુ છે.









