ઈસરોના વિજ્ઞાાની, પીડબલ્યુડી ઓફિસરનો સ્વાંગ રચ્યોે
એક ડઝનથી વધુ ઉપનામોનો ઉપયોગ ઃ યુવતીઓ પાસેથી પડાવેલા પૈસા ગોવા કેસિનો સહિત મોજશોખમાં ઉડાવ્યા
અલીબાગના ફ્રોડ યુવકની ધરપકડઃ એક યુવતીના પૈસાથી અન્ય યુવતીના ઈએમઆઈ ભર્યાઃ વૈભવી જીવનશૈલીનો દાવો કરતો હતો
મુંબઈ - ઈસરોના વૈજ્ઞાાનિક અને પીડબ્લ્યુડી અધિકારી હોવાનો દાવો કરીને અનેક મહિલાઓને લગ્નનું વચન આપીને ૮૯.૪૦ લાખની છેતરપિંડી અને જાતીય શોષણ કરનારા ૩૪ વર્ષીય યુવકની નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.મેટ્રોમોનિયલ સાઇટ્સ દ્વારા યુવતીઓને શિકાર બનાવતો હતો..પૈસાનો ઉપયોગ ગોવામાં કેસિનો સહિત વૈભવી જીવનશૈલી માટે કર્યો હતો
પોલીસના એક નિવેદનમાં જણાવાયું છે કે અલીબાગના રહેવાસી આદર્શ પ્રશાંત મ્હાત્રેએ જુદી જુદી પ્રચલિત મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા એન્જિનિયર અને ડોક્ટર સહિત ઉચ્ચ શિક્ષિત યુવતીઓને લલચાવવા માટે એક ડઝનથી વધુ ઉપનામોનો ઉપયોગ કર્યો હતો.તેણે યુવતીઓ સાથે કુલ ૮૯.૪૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હોવાની શંકા છે.
ઇસરો અને જાહેર બાંધકામ વિભાગના નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને મ્હાત્રેએ મેટ્રિમોનિયલ સાઇટ્સ પર એકાઉન્ટ્સ બનાવ્યા હતા અને ફાઇવ-સ્ટાર હોટલની મુલાકાતો સહિત વૈભવી જીવનશૈલી દર્શાવતા ફોટા અપલોડ કર્યા હતા.
આરોપી લગ્નના બહાને યુવતીઓ સાથે સંબંધ સ્થાપિત કરતો હતો. ત્યારબાદ તે પીડિતાને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પૂર્વ-મંજૂર પર્સનલ લોન લેવા દબાણ કરતો હતો. લોનની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય પછી તે નાસી જતો હતો.તે પીડિતાનું જાતીય શોષણ કરતો હતો,એમ પોલીસ નિવેદનમાં જણાવાયું છે.
તેણે આ પૈસાનો ઉપયોગ ગોવામાં કેસિનો સહિત વૈભવી જીવનશૈલી માટે કર્યો હતો.આરોપી અમુક વખત શંકા ન જાય માટે જાળમાં ફસાયેલી નવી યુવતી પાસેથી લીધેલા પૈસાનો ઉપયોગ અગાઉની પીડિતાના ઇએમઆઇ ચૂકવવા માટે કર્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું છે.
આ રેકેટમાં ઓગસ્ટ ૨૦૨૫માં રબાળે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ તપાસ શરૃ થઈ હતી .છેવટે મ્હાત્રેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને ચોથી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
નવી મુંબઈ (રબાળે અને પનવેલ શહેર પોલીસ સ્ટેશન), ડામ્બવલી (માનપાડા પોલીસ સ્ટેશન), મુંબઈ (વડાલા અને વીપી રોડ પોલીસ સ્ટેશન) અને પુણે (યરવડા પોલીસ સ્ટેશન)માં નોંધાયેલા ઓછામાં ઓછા છ કેસોમાં મ્હાત્રે કથિત રીતે સંડોવાયેલો હતો.
તેનો ૨૦૧૯થી ગુનાહિત રેકોર્ડ છે.જેમાં મુંબઈ, થાણે અને રાયગઢના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છેતરપિંડી, છેડતીના કેસોનો સમાવેશ થાય છે.
હાલમાં તેના પર ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ ૬૪,૬૯,૩૧૮(૪),૩૧૯(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


