પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરની 100 કરોડના ખર્ચે વિસ્તરણની યોજના

દર્શનાર્થીઓ માટે સુવિધાઓ ઉભી કરવા માટે
મંદિર પાસેના મકાનને હસ્તગત કરવામાં આવશે
મુંબઇ - પ્રભાદેવીના ૨૦૦ વર્ષ પુરાણા સિદ્ધિવિનાયક મંદિરના દર્શનાર્થીઓ માટે સુવિધાઓ ઉભી કરવા માટે ૧૦૦ કરોડના ખર્ચે વિસ્તરણની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં વધુ જગ્યા ઉપલબ્ધ થાય અને મોકળાશ મળે એ માટે મંદિરને અડીને આવેલું એક મકાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી હસ્તગત કરવામાં આવશે.
વિસ્તરણ યોજના અંતર્ગત ટ્રસ્ટ દ્વારા મંદિરને અડીને આવેલું રામ-મેન્શન નામનું ત્રણ માળનું બિલ્ડીંગ હસ્તગત કરવામાં આવશે. આ રીતે ૭૦૮ ચોરસ મીટરનો ખાનગી પ્લોટ ઉપલબ્ધ થશે, જેની પર ભક્તજનો માટે જુદી જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત સિદ્ધિવિનાયક કોઓપરેટીવ હાઉસિંગ સોસાઇટીની પ્રોપર્ટી પણ હસ્તગત કરવા માટે મસલત થઇ રહી છે. આ મકાન મળી જશે તો બંને બિલ્ડીંગોની મળીને ૧૮૦૦ ચોરસ મીટર જગ્યા મંદિરને મળશે.
વિસ્તરણ યોજના હેઠળ દર્શને આવતા ભક્તો લાઇનમાં ઉભા રહે છે તેમને માટે સુવિધાજનક ક્યુ કોમ્પ્લેક્સ, પ્રસાદાલય, શૌચાલયો તેમ જ ભક્તો વસ્ત્રો બદલી શકે એ માટે ચેન્જિંગ રૃમ બાંધવામાં આવશે.
મંદિર ટ્રસ્ટના વડા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકરે જણાવ્યું હતું કે અત્યારે મંદિર પરિસરમાં ભક્તો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. મંગળવારે તેમ જ તહેવારના દિવસોમાં ભક્તોએ ઘણીવાર મંદિર પાસેની ગલ્લીમાં લાઇનમાં ઉભું રહેવું પડે છે. ઘણાએ નજીકના પેટ્રોલ પમ્પના શૌચાલયનો ઉપયોગ કરવો પડે ચે. સૂચિત વિસ્તરણ યોજના સાકાર થયા પછી ભક્તોની મુશ્કેલીનો અંત આવશે. રામ મેન્શનના રહેવાસીઓને ચૂકવવા માટે ૧૦૦ કરોડની રકમ આપવામાં આવી છે જે અત્યારના માર્કેટ રેટ કરતાં બમણી છે.ત આ પ્રોપર્ટી હસ્તગત કરવા માટે મહારાષ્ટ્રના લો એન્ડ જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટે મંજૂરી આપી દીધી છે. ત્રણ માળના આ બિલ્ડીંગમાં ૨૦ ફ્લેટ છે.
દરમિયાન કેટલાક ભૂતપૂર્વ ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે સિદ્ધિવિનાયક કોઓપરેટીવ હાઉસિંગ સોસાઇટીની જગ્યા હસ્તગત કરવાનું વધુ સુગમ પડયું હોત. કારણ કે આ બિલ્ડીંગ મંદિર ટ્રસ્ટની જમીન ઉપર જ બંધાયેલું છે. બીજી તરફ મુંબઇ મહાપાલિકાએ મંદિરની આસપાસના એરિયાના ત્રણ તબક્કામાં સૌંદર્યકરણનો નિર્ણય લીધો છે. બીએમસીના જી- નોર્થ અને જી- સાઉથ વોર્ડ દ્વારા સંયુક્ત રીતે બ્યુટિફિકેશનની કામગીરી પાર પાડવામાં આવશે.








