મહારાષ્ટ્રના વાહનચાલકોને થોડી રાહત મળી
કોન્ટ્રાક્ટરનો સમયગાળો પૂરો થતાં નવી એજન્સી ન મળે ત્યાં સુધી કાર્યવાહી અટકાવાઈ
મુંબઈ - જૂના વાહનો માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) બેસાડવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ હતી. આ મુદ્દત પૂર્ણ થયા બાદ આરટીઓ દંડ વસૂલશે કે કેમ તેની મુંઝવણ અનેક લોકોને હતી. કારણ ત્યારબાદ કોઈ મુદ્દતવધારો જાહેર કરાયો નહોતો. જોકે પરિવહન વિભાગે એચએસઆરપી જે વાહનો પર ન હોય તેની સામે હાલમાં કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. આથી જે ગાડીઓને હજી નવી નંબર પ્લેટ મળી નથી. તેમને અત્યારે રાહત મળી છે.
રાજ્યમાં જૂના વાહનોને નંબર પ્લેટ બેસાડવા માટે આ પૂર્વે ત્રણ એજન્સીઓની નિયુક્તિ કરાઈ હતી. પરંતુ તે કોન્ટ્રાક્ટરોની મુુદ્દત હવે પૂરી થઈ છે. આથી પરિવહન વિભાગે નવી ટેન્ડર પ્રક્રિયા શરુ કરી હોય નવી એજન્સીઓ શોધાઈ રહી છે. જ્યાં સુધી નવા કોન્ટ્રાક્ટર કામ શરુ કરતા નથી. ત્યાં સુધી એચએસઆરપી ન હોય તેવા વાહનો પર કાર્યવાહી કરાશે નહીં, એવા સંકેત મળ્યા છે. અત્યારસુધીમાં સરકારે ચાર વાર મુદ્દતવધારો આપ્યો છે.
આ પૂર્વે નિયમ એવો હતો કે, જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય પણ નંબર પ્લેટ ન હોય તેમને ૧૦૦૦ રુપિયાનો દંડ તેમજ જેમણે કોઈ પ્રક્રિયા શરુ જ ન કરી હોય તેમને એક હજારનો દંડ કરાશે. પરંતુ પ્રત્યક્ષમાં આ દંડ બાબતની કાર્યવાહી કરવા સંદર્ભે ભ્રમણાઓ હોવાને કારણે આ કાર્યવાહી રોકવામાં આવે છે.
રાજ્યમા અત્યારે ૨.૧૦ કરોડ જૂના વાહનો છે. તેમાંથી ૯૭ લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. તો પ્રત્યક્ષમાં ૭૫ લાખ વાહનો પર જ નંબરપ્લેટ બેસાડાઈ છે. આથી ઘણાં વાહનોને હજી નવી નંબર પ્લેટની પ્રતિક્ષા છે.


