મોત બાદ પણ લાંચથી છૂટકારો નહિઃ કફન માટે 2000 રુપિયાની માગણી

નવી મુંબઈ પાલિકાના કર્મચારીએ બેધડક લાંચ માગી
ટૂંકા પગારથી આર્થિક ભીડ અનુભવતી ૨૩ વર્ષની યુવતીના આપઘાત બાદ મૃતદેહ લેવા આવેલાં માં-બાપ પાસે નફ્ફટ થઈ પૈસા માગ્યા
મુંબઈ - નવી મુંબઈના વાશીમાં આવેલ મહાનગર પાલિકાની હોસ્પિટલમાં શબઘર (મોર્ચ્યુરી)માં રાખેલ એક મૃતદેહના કફન માટે એક કર્મચારીએ બે હજાર રૃપિયાની માગણીથી ખળભળાટ મચી ગયો હતો. આ બાબતનો વીડિયો સામે આવતા લોકો આ કર્મચારી પર ફીટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાને લીધે નાગરિકોમાં રોષની લાગણી ફરી વળી હતી. એક ૨૩ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા બાદ તેના સંબંધીઓ પાસે શબઘરમાં આ મુજબની માગણી કરવામાં આવી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મૂળ યુપીના કાનપુરની યુવતી નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતી હતી. તે એક આઇટી કંપનીમાં કામ કરતી હતી. રવિવારે સવારે તેણે ગાળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની જાણ થતા તેના માતા-પિતા તાત્કાલિક નવી મુંબઈ દોડી આવ્યા હતા. આ લોકો જ્યારે વાશીની પાલિકાની હોસ્પિટલના શબઘરમાં પુત્રીના મૃતદેહનો કબ્જો લેવા ગયા ત્યારે ત્યાં ફરજ બજાવતા એક કર્મચારીએ કફન (સફેદ કપડા) માટે પહેલા એક હજાર અને પછી તરત જ બે હજાર રૃપિયાની માગણી કરી હતી.
આ સમગ્ર ઘટના મૃતક યુવતીના એક સંબંધીએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. મૃતકના સંબંધીઓએ માધ્યમોને જણાવ્યું હતું કે યુવતીએ અચાનક ભરેલા આત્મહત્યાના અંતિમ પગલાથી અમે પહેલેથી દુઃખી છીએ ત્યારે પાલિકાના કર્મચારીના આવા નિષ્ઠુર વર્તને અમને વધુ દુઃખ પહોંચાડયું હતું. મૃતકના સંબંધીઓએ આ કર્મચારી સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
આ ઘટના બહાર આવતા અને સોશિયલ મીડિયા તેમ જ ચેનલોમાં સમગ્ર ઘટનાની નોંધ લેવામાં આવતા પાલિકાના કર્મચારીઓ પરિસ્થિતિ ગેરફાયદો ઉઠાવતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં પણ દોષી કર્મચારી સામે કઠોર કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી.









