આવક કરતાં અનેકગણી સંપત્તિનો કેસ
અગાઉ કાંદિવલીમાં પરજ બજાવતા હતો ત્યારે વીથડ્રોઅલના બદલામાં પૈસા માગ્યાનો આરોપઃ પત્ની સામે પણ કેસ થયો છે
મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના એક અધિકારી સામે કથિત રીતે ૬૧.૫૫ લાખ રૃપિયાની સંપતિ એકઠી કરવા બદલ અપ્રમાણસર સંપતિનો ગુનો નોંધ્યો છે. આરોપી અધિકારી એનજે બામને જાન્યુઆરી ૨૦૧૨થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીના ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન ઇપીએફઓના કાંદિવલી (ઇ) યુનિટમાં એકાઉન્ટસ વિભાગમાં પોસ્ટેડ હતો. સીબીઆઇના જણાવ્યા અનુસાર આ ૬૧.૫૫ લાખ રૃપિયાની રકમ આરોપીની આવકના ૨૨ ટકા થતી હતી.
આરોપી હાલમાં કર્ણાટકમાં પોસ્ટેડ છે તેને ઓગસ્ટ ૨૦૨૨માં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેના પર વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઇએ તેની પત્ની પર પણ કથિત રીતે અપ્રમાણસર સંપતિ એકઠી કરવામાં મદદ કરવા કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે બામને પર અગાઉ સીબીઆઇ દ્વારા કથિત ભ્રષ્ટાચાર બાબતના બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા લાંચની અમૂક રકમ તેની પત્નીના બેંક ખાતામાં મોકલવામાં આવી હતી.
સીબીઆઇના મુંબઇ યુનિટે ૨૬ માર્ચે સીબીઆઇના એક અધિકારી તરફથી મળેલી ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ તાજેતરનો કેસ નોંધ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અધિકારીઓને બામણેના દહિસરના ઘરમાં દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ફરિયાદ બાદ સીબીઆઇએ આરોપીઓ સામેના આરોપોની ચકાસણી કરવા માટે ૨૭ માર્ચે દંપતિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો જાહેર સેવક દ્વારા ગેરકાયદે સંપતિ મેળવવા અને ગુનામાં ઉશ્કેરણી કરવા સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
જુલાઇ ૨૦૨૩માં સીબીઆઇએ બામને પર ઘણા અરજદારો પાસેથી પૈસા ઉપાડવાના દાવાઓની પ્રક્રિયા કરવા માટે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. કેસ મુજબ ૧૩ કથિત લાંચ આપનાર લોકો એક ગ્રાઉન્ડેડ ખાનગી એરલાઇનના કર્મચારીઓ હતા.


