Get The App

જેઈએમ, આઈએસઆઈએસ માટે બ્રેઈન વોશિંગ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ધરપકડ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
જેઈએમ, આઈએસઆઈએસ માટે બ્રેઈન વોશિંગ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ધરપકડ 1 - image

આતંકી સંગઠનોનો પ્રચાર કરી અન્ય  યુવકોને ભડકાવતો હતો

આરોપીના લેપટોપમાંથી આંતકવાદી મસૂદ અઝહરના ભડકાઉ ભાષણો સહિતની વાંધાજનક સામગ્રી મળી

મુંબઈ  -  મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ ગુરુવારે ૨૧ વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી અયાન શેખની પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ- મોહમ્મદ (જેઈએમ) અને પ્રતિબંધિત વૈશ્વિક સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથેના કથિત સંબંધો બદલ ધરપકડ કરી હતી. શેખ પર ગેરકાયદે પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ)ની તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો અન્ય બે લોકોની વધુ તપાસ હાથ ધરાઈ છે.

વિગત મુજબપ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા શંકાસ્પદ ઓનલાઈન કટ્ટરપંથીકરણ અંગે ચોક્કસ બાતમીના આધારે એટીએસ એ મુંબઈના અનેક સ્થળોએ દરોડો પાડયો હતો. દરોડા બાદ યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને ગોવંડીના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી શેખને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તો અન્ય બે લોકોની વધુ તપાસ હાથ ધરાઈ છે.

સોમવારે મોડી રાત્રે કુર્લા, ગોવંડી અને શિવાજી નગરમાં આવેલા પરિસરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન અધિકારીઓએ લેપટોપ અને મોબાઈલ ફોન સહિત અનેક ઈલેક્ટ્રોનિક્ ઉપકરણો જપ્ત કર્યા હતા. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રની એટીએસને તપાસ દરમિયાન આરોપીના લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી અત્યંત વાંધાજનક ડિજિટલ રોડમેપ મળી આવ્યો હતો. આમાં ખુલાસો થયો હતો કે આરોપી જૈશ- એ- મોહમ્મદ (જેઈએમ) અને ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ) જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના ઓનલાઈન પ્રચાર સાથે સીધો જોડાયેલો હતો. તેના લેપટોપમાંથી જૈશ ચીફ મસૂદ અઝહરના ભડકાઉ ઓડિયો અને વિડિયો કિલપ્સ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ તે યુવાનોનું બ્રેઈનવોશ કરવા માટે કરતો હતો.

તપાસમાં વધુમાં ખુલાસો થયો હતો કે આરોપી એનક્રિપ્ટેડ મેસેજિંગ ટેલિગ્રામ એપ્સ પર ખાનગી ગુ્રપ્સ બનાવીને યુવાનોને આતંકવાદી સંગઠોમાં ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વિદેશમાં બેઠેલા શંકાસ્પદ હેન્ડલર્સ અને સ્લીપર નેટવર્ક્સ સાથે સતત સંપર્કમાં હતો. આ નેટવર્ક માત્ર મુંબઈ પૂરતું મર્યાદિત નથી. પરંતુ અન્ય રાજ્યોના યુવાનો પણ આ ગુ્રપમાં સક્રિય હોવાનં જણાયું હતું. આરોપીએ તેના એન્જિનિયરિંગના મિત્રોને પણ આ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા પ્રયાસ કર્યો હતો.

લાંબી પૂછપરછ દરમિયાન શેખે કથિત રીતે વિદેશી હેન્ડલર્સ અને પ્રતિબંધિત આતંકવાદી જૂથો સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે શંકાસ્પદ વાતચીતની વિગતો જાહેર કરી હતી. આ વાતચીત એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા થઈ હતી અને તેમાં ઘણા વિદેશી નાગરિકો તથા કથિત સુવિધા આપનારાઓ સામેલ હતા. જે સ્પીલપર સેલ અને ભરતી નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે.

એટીએસ હવે આરોપીના બેંક વ્યવહારો અને ડિજીટલ ફૂટપ્રિન્ટની ઊંડી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ જાણવા માંગે છે કે આ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે તેને કોઈ વિદેશી ફંડિંગ કે લોજિસ્ટિકલ સપોર્ટ મળતો હતો કે કેમ. આ કેસની ગંભીરતાને જોતા તેની વિગતો અન્ય રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવી છે જેથી આ આખા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી શકાય.