Get The App

મુંબઇમાં વિસ્ફોટોની ધમકીના ઈમેઈલનું પગેરું ચેન્નઈમાં

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇમાં વિસ્ફોટોની ધમકીના ઈમેઈલનું પગેરું ચેન્નઈમાં 1 - image


દિલ્હી અને ચેન્નાઇમાં મળેલા મેઈલ જેવી પેટર્ન

એરપોર્ટ, સ્ટોક એક્સચેન્જ, કોર્ટ ફાઇવસ્ટાર હોટલ અને શાળાઓને બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી

મુંબઇ  -  મુંબઇ પોલીસના અધિકારીઓએ શહેરના અગ્રણી મથકો, સ્ટોક એક્સચેન્જ, એરપોર્ટ કોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ અને સ્કૂલોને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલના સ્ત્રોતને શોધી કાઢ્યા છે અને સ્ત્રોત ચેન્નાઇમાં હોવાની પોલીસને શંકા છે. અને આ ઇમેલ પણ ત્યાંથી જ મોકલવામાં આવ્યા હોવાની શંકા છે. ફક્ત મુંબઇ જ નહીં પણ દિલ્હી અને ચેન્નાઇમાં પણ મળેલા ધમકીભર્યા ઇ-મેલ પાછળ આ સ્ત્રોતની જ સંડોવણી હોવાની શંકા છે.

પોલીસ  સૂત્રો માને છે કે આ લોકો છેલ્લા ત્રણ વર્ષથી ચેન્નાઇ પોલીસના રડાર પર છે. અહીં બોમ્બ ધમકીના ઓછામાં ઓછા ૨૨ કેસ નોંધાયા હતા. તપાસકર્તાઓને એવી પણ શંકા છે કે ગયા મહિને દિલ્હી હાઇકોર્ટને મોકલવામાં આવેલ ધમકીભર્યા ઇ-મેલ પણ આ સ્ત્રોતથી જ મોકલવામાં આવ્યો હતો.

તપાસકર્તાઓએ ધમકીભર્યા આ તમામ મેઇલમાં સમાનતાઓ શોધી કાઢી છે જોકે તેઓ મોકલનારની ઓળખની પુષ્ટિ કરી શક્યા નથી. આ ઉપરાંત આ ઇમેલ મોકલવા પાછળ કોઇ જૂથ સામેલ હતું કે કેમ તે નક્કી કરી શક્યા નથી. આ બાબતે ચેન્નાઇ પોલીસનું માનવું છે કે તેઓ જે ઇ-મેલને ટ્રેક કરી રહ્યા છે તેનો સ્ત્રોત વિદેશમાં સ્થાયી થયેલ તમિલ વિદેશી છે જે વીપીએન અને વિદેશમાં નોંધાયેલ એન્ક્રિપ્ટેડ ઇમેલ સેવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમને શોધવાનું લગભગ અશક્ય બની ગયું છે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન ગુપ્તચર બ્યુરો અને એનઆઇએ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ તપાસ પર નજર રાખી રહી છે કારણ કે કોઇ સંગઠન અથવા  દુશ્મન દેશ તરફથી ધમકીઓ મોકલવામાં આવી હોવાનું શક્યતા નકારી શકાય નહીં તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેમને આ બધા ઇમેલમાં લગભગ નવ સમાનતાઓ મળી છે જેના કારણે શંકા છે કે આ તમામ ધમકીભર્યા ઇમેલ મોકલવા પાછળ એક જ વ્યક્તિ અથવા જૂથ સંડોવાયેલું  છે.

આ બાબતના ઇમેલ હંમેશા આઉટલુક આઇડીથી મોકલવામાં આવે છે. આ બધા કિસ્સાઓમાં ઇ-મેલ આઇડી બનાવવા માટે ડાર્કવેબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ઇમેલ  મોકલવા માટે  વર્ચ્યુયલ  પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) નો ઉપયોગ કરવામાં આવ્યો  હતો મોટાભાગે આ ઇમેલમાં આરડીએક્સ અથવા આઇઇડી ઉપકરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબતે મુંબઇના એક અધિકારીએ જણાવ્યુ ંહતું કે ચેન્નાઇમાં આ માટે એક ટીમ મોકલવામાં આવી હતી જેથી ત્યાનાં કેસોના અભ્યાસ કરી શકાય અને સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંકલન કરી શકાય. આ ઇમેલ મોકલનારા-ઓનો આશય સાયબર છેતરપિંડીનો નહીં પણ અરાજકતા ફેલાવવાનો હોય તેવું લાગે છે.


Tags :