Mumbai

આખરે એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ,પરેલ, લાલબાગ, પ્રભાદેવીમાં ટ્રાફિકની અંધાધૂંધી

By GS TEAM
13 Sep 20253 mins read
આખરે એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ,પરેલ, લાલબાગ, પ્રભાદેવીમાં   ટ્રાફિકની અંધાધૂંધી

125 વર્ષ જૂના બ્રિટિશકાલીન બ્રિજને લાંબા વિવાદ બાદ આખરે  બંધ કરાયો

લોઅર પરેલ પ્રભાદેવીની કોર્પોરેટ ઓફિસો,  ટાટા અને કેઈએમ સહિતની હોસ્પિટલો, લાલબાગના   બજારોમાં અવરજવર કરતા લોકો માટે હાલાકી  સર્જાશ

મુંબઈ  -  પરેલ, પ્રભાદેવી, લોઅર પરેલ, લાલબાગ સહિતના વિસ્તારો માટે અવરજવરમાં બહુ ચાવી રુપ એવો  એલ્ફિન્સ્ટન બ્રિજ આખરે  શુક્રવારની મધરાતથી  બંધ કરી દેવાયો છે. એમએમઆરડીએની સૂચના બાદ ટ્રાફિક પોલીસે શુક્રવારે સાંજે આ અંગેનું વિધિવત્ત જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક માર્ગો  સૂચવ્યા હતા. આ બ્રિજ બંધ થતાં આ વિસ્તારોના ટ્રાફિકને મોટાપાયે અસર થવાની સંભાવના છે. આ બ્રિજની જગ્યાએ વરલી-  શિવડી  કનેક્ટર તરીકે ડબલ ડેકર બ્રિજ બનવાનો છે પરંતુ  તેની ટાઈમલાઈન બાબતે  અનિશ્ચિતતા હોવાથી હવે  લાંબા  સમય સુધી આ વિસ્તારોમાં રહેતા લાખો લોકો ઉપરાંત  લોઅર પરેલ અને પ્રભાદેવીની કોર્પોરેટ ઓફિસો,   કેઈએમ તથા ટાટા મેમોરિયલ સહિતની હોસ્પિટલો, લાલબાગનાં બજારો સહિતના વિસ્તારોમાં અવરજવર કરતા  લાખો લોકોએ ભારે  હાલાકી ભોગવવી પડશે. કરી રોડ બ્રિજ સહિતના અન્ય વૈકલ્પિક માર્ગો  પર ટ્રાફિક જામનાં દ્રશ્યો કાયમી બની જશે.  

ં  મુંબઈ ટ્રાફિક પોલીસે આ   બ્રિજનાં ડિમોલિશન દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે અનેક ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધોની રૃપરેખા આપી હતી. દાદરની આસપાસ પૂર્વથી પશ્ચિમ તરફ જતા વાહનોએ તિલક બ્રિજનો ઉપયોગ કરવો પડશે.જ્યારે કરી રોડ બ્રિજ અને ચિંચપોકલી બ્રિજ જેવા વિકલ્પો પરેલ, ભાયખલા, પ્રભાદેવી અને વરલીથી ટ્રાફિક માટે કરવામાં આવ્યા છે.

 પોલીસ  સુત્રોના જણાવ્યા અનુસાર  કરી રોડ રેલ્વે બ્રિજ પર ટ્રાફિક પ્રતિબંધો રહેશે. આ બ્રિજ સવારે ૭ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ભારતમાતા જંકશનથી શિંગટે માસ્ટર ચોક સુધી એક તરફી રહેશે અને પછીથી, રાત્રે ૧૧ વાગ્યા સુધી રહેશે. મોડી રાત્રે, તે બંને તરફ ખુલ્લો રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પુલ બે અલગ અલગ રેલ્વે લાઇનો પર બે રેલ્વે સ્ટેશનો, પ્રભાદેવી અને પરેલ પરથી પસાર થાય છે. જેનો ઉપયોગ દરરોજ  પાંચથી સાત લાખ લોકો કરે છે. આ પુલ અનેક ઇમારતોથી ઘેરાયેલો છે.કેટલીક દાયકાઓ જૂની છે અને કેટલીકમાં મુંબઈની કેટલીક ભવ્ય ઓફિસો છે. પુલથી ખૂબ જ દૂર રહેણાંક વિસ્તારો અને શાળાઓ તેમજ ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને કે  ઈ એમ હોસ્પિટલ જેવી અગ્રણી હોસ્પિટલો છે. જ્યાં દરરોજ હજારો લોકોની અવરજવર હોય છે .

આ બ્રિજના કામથી અસર પામતી ઈમારતોના લોકોએ બ્રિજ બંધ કરવા સામે  આકરો વિરોધ કર્યો હતો. આથી ભૂતકાળમાં એકથી વધુ વખત બ્રિજ બંધ કરવાનું મુલત્વી   રાખવું પડયું હતું. 

ગુરુવારે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાઅસરગ્રસ્ત રહેવાસીઓ અને એમ એમ આર ડી વચ્ચે અનેક ચર્ચાઓ બાદ સત્તામંડળે જણાવ્યું હતું કે તેણે પ્રોજેક્ટ રૃટમાં સુધારો કર્યો છે જેમાં પુલ તોડી પાડવાથી ૧૯ ઇમારતોમાંથી ફક્ત બે ઇમારતોને અસર થશે. નાયબ સીએમ એકનાથ શિંદેના કાર્યાલય દ્વારા પણ જણાવાયું હતું કે ે બે અસરગ્રસ્ત ઇમારતો - હાજી નૂરાની ચાલ અને લક્ષ્મી નિવાસ ચાલ - ના ૮૩ અસરગ્રસ્ત પરિવારોને તે જ વિસ્તારમાં મ્હાડા ફ્લેટમાં સ્થળાંતરિત કરવામાં આવશે.