Get The App

મુંબઈ સહિત 29 મહાનગરોમાં આજથી ફોર્મ ભરાવા સાથે ચૂંટણી રંગ જામશે

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ સહિત 29 મહાનગરોમાં આજથી ફોર્મ ભરાવા સાથે ચૂંટણી રંગ જામશે 1 - image

આજથી તા. 30મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે

મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આજકાલમાં ચૂંટણી જોડાણો તથા ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના

મુંબઈ -  મુંબઈ સહિત ૨૯ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયાનો તા. ૨૩મી ડિસેમ્બરથી ઔપચારિક પ્રારંભ થઈ રહ્યો છે. ઉમેદવારો રિટર્નિંગ અધિકારીઓ સમક્ષ આવતીકાલથી ફોર્મ ભરવાનું શરુ કરી શકશે. જોકે, ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ થવાના આગલા દિવસે હજુ કોઈ મુખ્ય રાજકીય પક્ષે ચૂંટણી માટે બેઠક સમજૂતીની ઔપચારિક જાહેરાત કરી ન હતી. મોટાભાગના પક્ષોના ઉમેદવારો આગામી દિવસોમાં જાહેર થવાની સંભાવના છે. તા. ૩૦મી ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલશે. 

ગયાં સપ્તાહે જાહેર થયેલી તારીખો અનુસાર તા. ૧૫મી જાન્યુઆરીએ મુંબઈ, નવી મુંબઈ, પુણે, નાગપુર,  નાસિક, મીરા ભાયંદર, વસઈ વિરાર, કલ્યાણ ડોમ્બિવલી, થાણે સહિત રાજ્યની ૨૯ મહાનગર પાલિકાઓ માટે મતદાન થવાનું છે. 

મુંબઈમાં ૨૨૭ બેઠકો માટે મતદાન થવાનું છે. તમામ ૨૯ મહાપાલિકાની કુલ ૨૮૬૯ બેઠક માટે મતદાન થવાનું છે. આ ચૂૂંટણીમાં આશરે ૩.૪૮ કરોડ મતદારો મતદાન કરવાના છે. મુંબઈની લેટેસ્ટ મતદાર યાદી પ્રમાણે મુંબઈમાં એક કરોડથી વધારે લોકોને મતાધિકાર પ્રાપ્ત થયો છે. 

હજુ ગઈકાલે જ રાજ્યની નગર પંચાયતો તથા નગર પરિષદોની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાં છે. તેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે જ્યારે વિપક્ષોનો કરુણ રકાસ થયો છે. મહાયુતિના ઘટક પક્ષો ભાજપ, શિવેના તથા એનસીપી મહાપાલિકા ચૂંટણીમાં પણ નગરપાલિકાનું પુનરાવર્તન કરવા આતુર છે. જોકે, કોંગ્રેસ સહિતના વિપક્ષોના દાવા અનુસાર નાના શહેરો તથા મહાનગરોમાં ચૂંટણી મુદ્દા બિલકૂલ અલગ હોવાથી નગર પાલિકા પરિણામોની કોઈ અસર મહાપાલિકા ચૂંટણી પર નહિ  થાય 

મુંબઈમાં છેલ્લે  ૨૦૧૭માં મતદાન થયું હતું. આમ  નવ વર્ષ પછી મતદારોને પોતાના લોકપ્રતિનિધિઓ ચૂંટવાનો અવસર મળશે. છેલ્લાં બોર્ડની મુદ્દત માર્ચ ૨૦૨૨માં પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ, તે પછી અનામત બેઠકો સહિતના મુદ્દે  ચૂંટણી સતત ઠેલાતી રહી હતી. છેલ્લે સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને કડકાઈ પૂર્વક આદેશ આપી તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૬ પહેલાં  સ્થાનિક ચૂંટણીઓ આટોપી લેવા જણાવતાં આ ચૂંટણીઓ થઈ રહી છે. 

જે ૨૯ મહાપાલિકાઓ માટે ચૂંટણી થવાની છે તેમાંથી જાલના અને ઈચલકરંજી એ બે નવી રચાયેલી મહાપાલિકાઓ છે. બાકીની ૨૭માંથી પાંચની ટર્મ ૨૦૨૦માં પૂર્ણ થઈ હતી અને મુંબઈ સહિત અન્ય ૧૮ની ટર્મ ૨૦૨૨માં પૂર્ણ થઈ હતી. ત્રણ મહાપાલિકાની ટર્મ ૨૦૨૩માં પૂર્ણ થઈ હતી. 

ચૂંટણી કાર્યક્રમ 

તા. ૨૩થી તા. ૩૦ ડિસે. સુધી ફોર્મ ભરાશે.  ૩૧મી ડિસેમ્બરે ફોર્મની ચકાસણી 

બીજી જાન્યુ.એ ફોર્મ પાછાં ખેંચવાનો છેલ્લો દિવસ 

ત્રીજી જાન્યુઆરીએ પ્રતીકોની ફાળવણી ૧૫મી જાન્યુઆરીએ મતદાન  ૧૬મી જાન્યુઆરીએ મતગણતરી 

કઈ કઈ મહાપાલિકાઓની ચૂંટણી 

 મુંબઈ, નવી મુંબઈ, થાણે , પુણે, નાસિક, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, વસઈ વિરાર, કલ્યાણ ડોમ્બિવલી, કોલ્હાપુર, ઉલ્હાસનગર, પિંપરી ચિંચવડ, સોલાપુર, અમરાવતી, અકોલા, લાતુર, પરભણી, ચન્દ્રપુર, ભિવંડી નિઝામપુર, માલેગાંવ, પનવેલ, મીરા ભાયંદર, નાંદેડ વાઘાલા, સાંગરી-મિરાજ કુપવડ, જલગાંવ, ધુલે, અહિલ્યાનગર, ઈચલકરંજી અને જાલના


Tags :