Mumbai

બીએમસી સહિત તમામ સ્થાનિક સંસ્થાની ચૂંટણી ડિસે.-જાન્યુ.માં

By GS TEAM
6 Aug 20252 mins read
બીએમસી  સહિત તમામ સ્થાનિક સંસ્થાની ચૂંટણી ડિસે.-જાન્યુ.માં

ઓબીસી આરક્ષણ સાથે મુંબઈમાં ૨૨૭ વોર્ડ માટે મતદાન થશે

ચૂંટણી પંચનો સંકેતઃ સ્થાનિક ચૂંટણીઓ તબક્કાવાર  યોજાઈ શકેઃ વીવીપીઅ ટીનો ઉપયોગ નહિ  થાય

મુંબઈ - ઓબીસી આરક્ષણ તથા વોર્ડ પુનરર્ચના મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા બાદ મુંબઈ, થાણે, મીરા ભાયંદર સહિતની મહાપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં યોજવાનો સંકેત રાજ્ય ચૂંટણી પંચે આપ્યો છે. સ્થાનિક  સંસ્થાઓની ચૂંટણીમાં  વી. વી. પી. એ. ટી  ( વોટર વેરીફાઈ પેપર એડિટ ટ્રેઇલ)મશીનોનો ઉપયોગ નહીં કરાય એમ પણ રાજ્યના ચૂંટણી કમિશનરે જણાવ્યું છે. 

આ ચૂંટણીઓ તબક્કાવાર  થાય તેવી સંભાવના  છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી કદાચ જાન્યુઆરીના અંતે કે ફેબુ્રઆરીમાં  પણ યોજાઈ શકે છે.  આ ચૂંટણીઓ માટે તા. પહેલી જુલાઈ પ્રમાણેની મતદાર યાદી માન્ય રહેશે.  

રાજ્યના ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ દિવાળી પછી જ યોજાશે.    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાટે નાશિકમાં એક વિભાગીય બેઠક યોજાઈ હતી. જેમાં નંદુરબાર, જલગાંવ, ધુળે, નાસિક, અહિલ્યાનગર જિલ્લાઓની  તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે નવાં વોર્ડ માળખાં અનુસાર તથા ઓબીસી  અનામત સાથે ચૂંટણી યોજવા મંજૂરી આપી  છે. નવી વોર્ડ રચનાને પડકારતી લાતુરની એક પરિષદની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી  દીધી  હતી. વોર્ડ પુનર્રચના માટે રાજ્ય સરકારને  સંપૂર્ણ અધિકાર છે તેમ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું. 

મુંબઈમાં જૂના વોર્ડ મુજબ ચૂંટણી યોજાશે.

મુંબઈમાં જૂના વોર્ડ મુજબ ચૂંટણી યોજાશે.મુંબઈ મહાનગરપાલિકામાં  ૨૨૭ વોર્ડમાં એક  સભ્ય રહેશે. જ્યારે  એ કેટેગરીની  પુણે, નાગપુરમાં તથા બી કેટેગરીની  થાણે, નાસિક,  અને પિંપરી ચિંચવડમાં તથા સી કેટેગરીની  નવી મુંબઈ વસઈ વિરાર, કલ્યાણ ડોંબિવલી, છત્રપતિ સંભાજીનગર અને અન્ય તમામ મહાનગરપાલિકામાં  વોર્ડ દીઠ ચાર સભ્ય હશે. 

મુંબઈમાં અગાઉ પણ ૨૨૭ વોર્ડ હતા. મહાવિકાસ આઘાડી સત્તામાં આવ્યા પછી નવ વોર્ડ વધારીને કુલ ૨૩૬ વોર્ડ કરાયા હતા. જોકે, મહાયુતિ સરકારે તેમાં ફેરફાર કરી ફરી ૨૨૭ વોર્ડ કાયમ કર્યા હતા. શિવસેના (યુબીટી) દ્વારા વોર્ડ રચનામાં આ ફેરફારને પડકારાયો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી  દીધી  હતી. 

મુંબઈમાં માર્ચ ૨૦૨૨થી ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી આથી ત્રણ વર્ષથી વહીવટદાર દ્વારા  શાસન ચાલે  છે.