છેલ્લે 2017માં મતદાન થયું હતું, અઢી વર્ષનાં વહીવટદાર શાસનનો અંત
16મીએ મતગણતરીઃ સાડા 3 કરોડથી વધુ મતદારો - ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે છેલ્લી લાઈફલાઈન
74 હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકાના જંગ પર સમગ્ર દેશની નજર રહેશે
મુંબઈ - મુંબઈ સહિત ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીની આખરે આજે જાહેરાત કરાઈ હતી. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તા. ૧૫મી જાન્યુઆરીએ મતદાન થશે જ્યારે તા. ૧૬મી જાન્યુઆરીએ મતગણતરી યોજાશે. મુંબઈગરાંઓએ છેલ્લે ૨૦૧૭માં મહાપાલિકા માટે મતદાન કર્યું હતું. જોકે, ૨૦૨૨માં મુદ્દત પૂૂર્ણ થયા બાદ અત્યાર સુધી વહીવટદાર શાસન રહ્યું હતું. ૭૪ ,૪૨૭ કરોડનુ તોતીંગ બજેટ ધરાવતાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સળંગ અઢી દાયકા સુધી ત્યારની અવિભાજિત શિવસેનાનું શાસન રહ્યું છે. જોકે, શિવસેનામાં બે ફાંટા પડી ચૂક્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા આ ચૂંટણી છેલ્લી લાઈફલાઈન છે. મુંબઈ મનપા પર કોણ કબ્જો કરે છે તેના જંગ પર સમગ્ર દેશની નજર મંડાયેલી રહેશે.
મુંબઈ મહાપાલિકાની ૨૭૭ સહિત તમામ મહાપાલિકાની કુલ ૨૮૬૯ બેઠક માટે મતદાન થવાનું છે. તેના માટે ૩.૪૮ કરોડ મતદારો નોંધાયા છે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ તેના એક વર્ષ પછી હવે મહારાષ્ટ્રના શહેરી મતદારો હાલની ભાજપના વડપણ હેઠળની મહાયુતિ સરકાર માટે શું વિચારે છે તેનો મેન્ડેટ પણ આ ચૂંટણીમાં જાણવા મળશે. આ ઉપરાંત લગભગ બે દાયકા બાદ સાથે આવેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે તથા રાજ ઠાકરે આ ચૂંટણી સાથે મળીને લડવાના છે. બંને પિતરાઈઓના સાથે આવવાથી શિવસેનાની જૂની વફાદાર મતબેન્ક જળવાઈ રહેશે કે કેમ તેનો ફેંસલો પણ આ ચૂંટણીમાં થઈ જશે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓનો સિલસિલો અગાઉ જ શરુ થઈ ચૂક્યો છે. ગત બીજી ડિસેમ્બરે રાજ્યની નગર પાલિકાઓ માટે મતદાન થયું હતું. તેનું બીજા તબક્કાનું મતદાન તા. ૨૦મી ડિસેમ્બરે થવાનું છે અને તેની મતગણતરી તા. ૨૧મી ડિસેમ્બરે થવાની છે. સુપ્રીમ કોર્ટે તા. ૩૧મી જાન્યુઆરી સુધીમાં તમામ સ્થાનિક ચૂંટણીઓ યોજી દેવાનો આદેશ આપ્યો હતો.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જાહેર કરાયેલા કાર્યક્રમની સાથે જ ચૂંટણી આચારસંહિતાનો પ્રારંભ પણ થઈ ગયો છે. ફોર્મ ભરાવાની શરુઆત તા. ૨૩મી ડિસેમ્બરથી થશે. બીજી જાન્યુઆરીએ ફોર્મ પાછાં ખેંચવાની છેલ્લી મુદ્દત હશે. ત્રીજી જાન્યુઆરીએ ચૂંટણી પ્રતીકોની ફાળવણી થશે.
જે ૨૯ મહાપાલિકાઓ માટે ચૂંટણી થવાની છે તેમાંથી જાલના અને ઈચલકરંજી એ બે નવી રચાયેલી મહાપાલિકાઓ છે. બાકીની ૨૭માંથી પાંચની ટર્મ ૨૦૨૦માં પૂર્ણ થઈ હતી અને મુંબઈ સહિત અન્ય ૧૮ની ટર્મ ૨૦૨૨માં પૂર્ણ થઈ હતી. ત્રણ મહાપાલિકાની ટર્મ ૨૦૨૩માં પૂર્ણ થઈ હતી.


