જુહુથી કારમાં એકાંત સ્થળે લઇ જઇ વૃદ્ધાને ધમકાવ્યા
મુખ્ય આરોપી કુરેશી ફરાર, સાગરિત પકડાયોઃ ગેરકાયદે લોન આપી ધાકધમકીમાં અનેકને નિશાન બનાવ્યાની શંકા
મુંબઇ - મુંબઇના બે ખાનગી મની લેન્ડરોએ ૬૩ વર્ષીય એક વૃદ્ધાનું જુહુથી અપહરણ કર્યું હતું અને તેમને કારમાં એકાંત સ્થળે લઇ જઇ ધમકાવ્યા હતા. વૃદ્ધાનો પુત્ર ૮૦ લાખની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો હોવાનો આરોપ કરી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ લોનની કબૂલાત કરતા દસ્તાવેજો પર સહી કર્યા પછી જ તેમને છોડવામાં આવ્યા હતા. આ ઘટના ગયા મહિને બની હતી પણ પોલીસે સોમવારે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી અને હવે મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પિનાકિની ભણસાલીએ આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્ર મોનિલે ઝફર કુરેશી સહિત વિવિધ વ્યક્તિઓ પાસેથી ૩૦ ટકા વ્યાજ દરે મોટી રકમ ઉછીની લીધી હતી. તેણે સામે ત્રણ કરોડ રૃપિયાના દાગીના ગીરવે મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લગભગ ૮૦ લાખ ચૂકવવા છતાં નાણાં આપનાર કુરેશીએ તેને ધમકી આપવાનું ચાલું રાખ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૧૦એ કુરેશીના સાથી અલ્ફાઝ ફિરોઝ કાસમની અપહરણ, ગેરકાયદેસર નાણાં ઉછીના આપવા, ખંડણી અને ગુનાહિત ધાકધમકીના આરોપસર ધરપકડ કરી હતી જ્યારે કુરેશી ફરાર છે.
ગયા મહિને કુરેશી અને તેના બે સાથીદારોએ વૃધ્ધાનું સાંતાક્રુઝ (વે)ના જુહુ વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું અને બળજબરીથી એક કારમાં બેસાડી એકાંત જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં તેમને ધમકી આપવામાં આવી હતી અને ૮૦ લાખ રૃપિયાની જવાબદારી સ્વીકારતા સ્ટેમ્પ પેપર પર સહી કરવા સાથે અંગૂઠાની છાપ આપવા દબાણ કરવામાં આવ્યું હતું. ક ુરેશીએ ધમકી આપી હતી કે જો માંગવામાં આવેલી રકમ ચૂકવવામાં નહીં આવે તો તેમના પુત્રને જીવનું જોખમ થશે. આરોપીઓએ વૃદ્ધાનો દસ્તાવેજો પર સહી કરતો વીડિયો પર શૂટ કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધાને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઇને કહેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ત્યાર બાદ વૃદ્ધાનો છૂટકારો કરી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ વૃદ્ધાને ધમકી ભર્યા ફોન કરવાનું શરૃ કર્યું હતું. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યુ ંહતું કે આ ઘટના બાદ ડરી ગયેલા વૃદ્ધાએ ત ેમના પતિને આ વાતની જાણ કરતા તેમણે એફઆઇઆર નોંધાવવા કહ્યું હતું.
આ બાબતે વૃદ્ધાની ફરિયાદ બાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે કુરેશીની શોધખોળ હાથ ધરી હતી અને કાસમની તેના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસે કુરેશી અને અનેક વ્યક્તિઓ વચ્ચે મોટા રોકડ વ્યવહારો સાથે સંકળાયેલા મૂળ લોન કરારો, વાહન વેચાણ કરારો અને સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવાનો દાવો કર્યો હતો આ ઉપરાંત ધમકી આપવા માટે વાપરવામાં આવતો એક મોબાઇલ હેન્ડસેટ પણ જપ્ત કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આરોપ લગાવ્યો હતો કે કુરેશી લાઇસન્સ વિના ગેરકાયદેસર નાણાં ઉધાર આપવાનો ધંધો ચલાવતો હતો. તે ઉંચા વ્યાજદરે નાણાં ઉછીના આપતો અને તેના સાથીદારોની મદદથી ધમકીઓ અને બળજબરી દ્વારા મોટી રકમની વસૂલી કરતો હતો. પોલીસને એવી પણ શંકા છે કે કુરેશીએ આવી રીતે અન્ય ઘણાં લોકોને નિશાન બનાવ્યા છે.


